RMCની ત્રણ શાખા વચ્ચે સંકલનના અભાવે મવડી એનિમલ હોસ્ટેલમાં પશુઓ પર હજુ પણ તોળાઈ રહ્યું છે મોતનું જોખમ
શહેરના મવડી વિસ્તારમાં આવેલી મહાપાલિકાની એનિમલ હોસ્ટેલમાં રવિવારે તરફડીને બે ગાયના કરુણ મોત નિપજતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. બીજી બાજુ હોસ્ટેલમાં બેફામ ગંદકી, લાઈટનો અભાવ સહિતના મુદ્દા ઉજાગર થતાં એવી વિગત સામે આવી હતી કે આ સુવિધા માટે મહાપાલિકાની ત્રણ શાખા વચ્ચે સંકલનનો જ અભાવ છે જેના કારણે હજુ પણ પશુઓ પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે.

પશુમાલિકો દ્વારા એનિમલ હોસ્ટેલમાં લાઈટ તેમજ સફાઈ ન થતી હોવાને કારણે ઢોર મૃત્યુ પામી રહ્યા છે તેવો આક્ષેપ કરાતાં આ અંગે હોસ્ટેલનું સંચાલન સંભાળતા ડૉ.ઉપેન્દ્ર પટેલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે પૂરતી લાઈટ મળી શકે તે માટે રોશની શાખા દ્વારા થાંભલા ફિટ કરી દેવામાં આવ્યા છે પરંતુ લાઈટ ક્યારે આવશે તે અંગે રોશની શાખા જ જાણતી હોવી જોઈએ. જો કે આ કામ ત્રણ-ચાર દિવસમાં પૂર્ણ થઈ જનાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જ્યારે હોસ્ટેલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવા અંગે તેમણે કહ્યું કે આ વિશે વેસ્ટ ઝોન હસ્તકની બાંધકામ શાખાને પત્ર લખવામાં આવ્યો છે ત્યારે પેવિંગ બ્લોક ક્યારેય ફિટ થશે એ વાત બાંધકામ શાખા જ જવાબ આપી શકશે ! જ્યારે પશુ બિમાર છે કે નહીં તે અંગેની જાણકારી હોસ્ટેલના જવાબદારોએ નહીં પરંતુ ઢોરમાલિકે જ રાખવી પડશે કેમ કે આ ઢોરડબ્બો નહીં બલ્કે એનિમલ હોસ્ટેલ છે !
આ પણ વાંચો : આવતીકાલે બેન્કોમાં હડતાળ : ગુજરાતના 10,000 કર્મચારી જોડાશે, જાણો શું છે કારણ, કઈ-કઈ સેવા રહેશે બંધ?

ડૉ.પટેલે ઉમેર્યું કે અત્યારે અહીં 780 ગાય-ભેંસને રાખવામાં આવી છે જેના માટે પશુમાલિકોને જગ્યા, પાણી, લાઈટ, દિવાલ, શેડ, સિક્યુરિટી ગાર્ડ સહિતની સુવિધા મહાપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અહીં પૂરતી સફાઈ માટે ગયા સપ્તાહે જ જેસીબી ફેરવવામાં આવ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો.
