રાજકોટમાં કપાસની તુલનાએ મગફળીનું બમણું વાવેતર : જિલ્લામાં 88 ટકા ખરીફ વાવણી સંપન્ન, જાણો ક્યાં કેટલું વાવતેર થયું
રાજ્યમાં ઓણસાલ સમયસર ચોમાસુ બેસી ગયા બાદ રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ વરસી જતા 27 જુન સુધીમાં રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં ખરીફ સીઝનની વાવણી પ્રક્રિયા 88 ટકા પૂર્ણ થઇ હોવાનું ખેતીવાડી વિભાગે જાહેર કર્યું છે. જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લામાં ઓણસાલ ખેડવા લાયક 5,35,122 હેકટર જમીન પૈકી 4,68,166હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 3,01,382હેક્ટરમાં મગફળી અને 1,16,994હેક્ટરમાં કપાસ વાવ્યો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ 27 જૂન સુધીમાં રાજકોટ જિલ્લામાં સરેરાશ 165.6 મીમી વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં 250 મીમી અને સૌથી ઓછો વરસાદ જામકંડોરણા તાલુકામાં 73 મીમી નોંધાયો હતો. જિલ્લામાં 14 જૂનથી વરસાદના આગમન સાથે જ જિલ્લામાં વાવેતર લાયક કુલ 5,35,12 હેકટર જમીન પૈકી 4,68,166હેકટર જમીનમાં 27 જૂન સુધીમાં વાવેતર પૂર્ણ થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોએ 3,01,382હેક્ટરમાં મગફળી અને 1,16,994હેક્ટરમાં કપાસ વાવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.
આ પણ વાંચો : ‘વોઇસ ઓફ ડે’નાં સમાચારનો પડઘો : રાજકોટ GST અપીલમાં મળ્યા એક સાથે બે ડેપ્યુટી કમિશનર
ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 171 હેક્ટરમાં બાજરી, 16 હેક્ટરમાં મકાઈ, 1322 હેકટર જમીનમાં તુવેર, 799 હેકટર જમીનમાં મગ, એક હેક્ટરમાં મઠ, 546 હેક્ટરમાં અડદ, 518 હેક્ટરમાં તલ, 56 હેક્ટરમાં દિવેલા, 22647 હેક્ટરમાં સોયાબીન, 13030 હેકટર જમીનમાં શાકભાજી, 10107 હેક્ટરમાં ઘાસચારો, 155 હેકટર જમીનમાં મરચી, 90 હેકટર જમીનમાં ડુંગળી અને 30 હેકટર જમીનમાં શેરડીનું વાવતેર થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ હજુ પણ રાજકોટ જિલ્લામાં ગોંડલ, જામકંડોરણા અને ધોરાજી પંથકમાં હજુ અનેક ખેડૂતોને વાવણી બાકી હોય વરસાદના રાઉન્ડ બાદ વાવણી કાર્ય કરવામાં આવશે.
કપાસ અને મગફળીનો મજબૂત વિકલ્પ બન્યું સોયાબીન
સૌરાષ્ટ્રમાં વર્ષોથી ખેડૂતો ચોમાસાની સીઝનમાં બાજરી, જુવાર, મકાઈ, મગ અને એરંડા જેવા પાકોનું વાવતેર કરતા આવ્યા બાદ છેલ્લા ત્રણથી ચાર દાયકામાં ટ્રેન્ડ બદલાતા ખેડૂતો રોકડીયા પાક મગફળી અને જુવાર તરફ વળ્યાં છે. ખાસ કરીને ખરીફ સીઝનમાં ખેડૂતો પાસે બે જ વિકલ્પ રહેતા અને ખેડૂતો પરંપરાગત પાકોને વિસરી ગયા છે તેવામાં છેલ્લા પાંચેક વર્ષથી ખેડૂતોને ખરીફ મોસમમાં મગફળી અને કપાસના વિકલ્પ રૂપે સોયાબીનનો પાક હાથ લાગ્યો છે. કપાસ અને મગફળીની તુલનાએ ઓછા ખર્ચમાં ઉત્પાદન થતા સોયાબીનના ભાવ પણ 800 થી 900 જેટલા પ્રતિમણના રહેતા હોવાથી ચાલુ વર્ષ જિલ્લામાં સોયાબીનનું વાવેતર 22647 હેકટર જમીનમાં થયું છે. જે મગફળી અને કપાસના પ્રમાણમાં ત્રીજા નંબરે છે.જિલ્લામાં સૌથી વધુ સોયાબીન જેતપુરમાં ૭૬૩૪ હેકટર, ઉપલેટામાં ૩૬૨૦, રાજકોટમાં 3078 હેક્ટર જસદણમાં 3058 હેકટર અને ધોરાજીમાં 2427 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરાયું છે.