આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજકોટના 107 સરપંચ-588 સભ્યોને ચૂંટવા 1.26 લાખ મતદારો બેલેટ પેપરથી કરશે મતદાન
રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતો માટે આગામી તા.22ને રવિવારે સામાન્ય,મધ્યસત્રીય અને પેટા ચૂંટણી યોજાનાર છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં 150 મતદાન મથકો ખાતે 107 સરપંચ અને 588 સભ્યો ચૂંટવા 1.26 લાખ ગ્રામીણ-શહેરી મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 150 મતદાન મથકો જાહેર થયા છે જે પૈકી 25 ટકા એટલે કે, 38 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કાવામાં આવ્યા છે.

અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં કુલ 64 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 243 ગ્રામ પંચાયતોમાં પેટ ચૂંટણી જાહેર થઇ હતી જેમાં સામાન્ય ચૂંટણી યોજાનાર હતી તેવા ગામોમાં 20 સરપંચ અને 271 સભ્ય બિનહરીફ થયા હતા. જયારે જે -જે ગામોમાં પેટ ચૂંટણી યોજાનાર હતી તેવા ગામોમાં 18 સરપંચ અને 88 સભ્યો બિન હરીફ થયા હોવાથી હવે જિલ્લામાં 107 સરપંચ અને 588 સભ્યો માટે આગામી તા.22ને રવિવારના રોજ ચૂંટણી યોજાશે.ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 765 કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે અને આજે શનિવારે બપોર બાદ તમામ મતદાન મથકોનો કબ્જો ચૂંટણી સ્ટાફ સંભાળી લેશે.
આ પણ વાંચો : ક્લસ્ટર બોમ્બ-નાનું પણ નાગનું બચ્ચુ ! એટલું ખતરનાક હથિયાર કે ક્યાં ત્રાટકે તે જ નક્કી નહીં,જાણો શું છે ખાસિયત
વધુમાં રાજકોટ જિલ્લામાં 107 સરપંચ અને 588 સભ્યોની ચૂંટણી માટે કુલ 150 મતદાન મથકોમાં બેલેટ પેપેરથી મતદાન થશે. સાથે જ જિલ્લાના કુલ 150 મતદાન મથકોમાંથી 25 ટકા મતદાન મથકો ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ સંવેદનશીલ જાહેર કરી ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત વીડિયોગ્રાફી કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 31 પીએસઆઇ, 62 કોન્સ્ટેબલ અને 62 હોમગાર્ડને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી છે જયારે રાજકોટ પોલીસ કમિશનર વિસ્તાર હેઠળ આવતા છ ગામોમાં શહેર પોલીસ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. નોંધનીય છે કે, ગ્રામ્ય વિસ્તારમાં 144 મતદાન મથક તેમજ શહેર વિસ્તારમાં 6 મતદાન મથકોનો સમાવેશ થાય છે.