69માં જન્મદિવસની ઉજવણી પૂર્વે જ વિજયભાઈ રૂપાણીનો જીવનદીપ બુઝાયો : અંજલીબેન રૂપાણીનું હૈયાફાટ રૂદન
અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયુ છે. તેઓ પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે આજે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા પરંતુ પ્લેન ટેઈક ઓફ થયાની ગણતરીની ક્ષણોમાં જ આ દુર્ઘટના બની હતી અને તેમાં અન્ય મુસફરોની સાથે તેમનુ પણ મૃત્યુ નીપજ્યુ હતુ.વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર મળતા જ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં ઘેરો શોક છવાયો છે.

વિજયભાઈ લંડન સ્થિત દીકરીના ઘરે ધાર્મિક પ્રસંગમાં જય રહ્યા હતા. નજીકના સ્નેહી નીતિન ભારદ્વાજ તથા ભંડેરી પરીવાર સાથે બે દિવસ પૂર્વે જ પહોંચ્યા હતા.વિજયભાઇના પત્ની પણ અંજલીબેન અગાઉથી લંડન પહોંચી ગયેલા. પ્લેન અકસ્માતના ખબર મળતા તેઓ તાત્કાલીક હવાઇ માર્ગે અમદાવાદ આવવા નીકળેલા. આજે સવારે ૭.૩૦ વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમના હૈયાફાટ રૂદનથી કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. અંજલીબેનના વિલાપે ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. લંડનથી તેમની સાથે ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ આવ્યા હતા.

વિજયભાઈનું પ્રારંભિક જીવ અને રાજકીય કારકિર્દી
માત્ર ચાર વર્ષની ઉંમરે બર્મા છોડી કાયમ માટે રાજકોટ સ્થાયી થયેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુરુવારે અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. 2 ઓગસ્ટ 1956ના રોજ જન્મેલા મુખ્યમંત્રી જન્મ રંગુનમાં થયો સાત ભાઈ બહેનોમાં સૌથી નાના વિજયભાઈએ બીએ, LLBનો અભ્યાસ કર્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈ નેતૃત્વનો શુભારંભ કર્યા બાદ નિરંતર રાજકીય કારકિર્દીમાં આગેકૂચ જારી રાખી કોર્પોરેટરથી લઈ રાજ્યના સફળ મુખ્યમંત્રી તરીકે પદ શોભાવ્યુ હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 200 લોકોના મોતની આશંકા, વિજય રૂપાણી સહિત 242 પેસેન્જર પ્લેનમાં હતા સવાર

2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. જૈન પરિવારના રમણિકલાલ રૂપાણી ૧૯૬૦માં મ્યાનમારમાં રાજકીય અસ્થિરતા આવતા પરિવાર સાથે ૧૯૬૦માં કાયમ માટે ભારત આવ્યા બાદ રાજકોટમાં સ્થાયી થયા. સાત ભાઈ-બહેનોમાં વિજયભાઈ રૂપાણી સૌથી નાના હતા. તેઓએ ધર્મેન્દ્રસિંહ કોલેજમાં સ્નાતક થયા બાદ એલ.એલ.બી થયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય થયા બાદ વિજય રૂપાણી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયા. બાદમાં ૧૯૭૧થી ભારતીય જનતા પક્ષનાં સક્રિય બન્યા હતા.
આ પણ વાંચો : PM મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત : એકમાત્ર જીવિત મુસાફર સહિત ઘાયલોના ખબરઅંતર પૂછ્યા

દેશમાંકટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજનાં કારાગારમાં બંદી પણ બન્યા હતા અને 11 માસ સુધી કારાગૃહમાં રહ્યા હતા.વિજય રૂપાણી 1978થી 1981સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક રહ્યા હતા અને 1987માં રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા. સાથે જ આ સમયગાળામાં સ્ટેન્ડિંગ કમિટીના સભય બની 1988થી 1996સુધી સત્તારૂઢ રહ્યા હતા.1996-97માં વિજયભાઈ રૂપાણી રાજકોટ મહાનગર પાલિકાના મેયર તરીકે રહ્યા બાદ સ્વ. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાસન દરમિયાન ઘોષણાપત્ર સમિતિનાં અધ્યક્ષ પદે રહી વર્ષ 2006માં ગુજરાત ટુરિઝમ વિભાગના અધ્યક્ષ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન તેઓ રાજ્યસભાનાં સદસ્ય હતા. વર્ષ 2014માં વિજયભાઈ રૂપાણી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી અને આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં પરિવહન, જળ પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રી તરીકે રહ્યા હતા.જે બાદ 7 ઓગસ્ટ 2016થી 11 સપ્ટેમ્બર 2021 સુધી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને 11 સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

વિજય રૂપાણીએ અંજલીબેન સાથે લગ્ન કર્યા બાદ બે પુત્રો રુશભ, પૂજિત અને એક પુત્રી રાધિકાનો જન્મ થયો હતો. દુર્ભાગ્યે તેમના નાના પુત્ર પૂજિતનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, અને તેમની યાદમાં તેમણે સ્વ.પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી ઝૂંપડપટ્ટીના કચરો વીણતા બાળકો માટે અનેકવિધ સેવાપ્રવૃત્તિ ચલાવી અનેક બાળકોના જીવનમાં રોશની પાથરી છે.
