રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 247 દિવસ બાળકો ભણશે : બ્રિજ કોર્સ તૈયાર,ઓક્ટોબર માસમાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ (GCERT)નાં શૈક્ષણિક આયોજન મુજબ પ્રાથમિક શાળાઓમાં વર્ષ દરમિયાન કુલ 247દિવસનું શિક્ષણ કરાવાશે. શાળાઓમાં જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયા બાદ પ્રથમ માસમાં પુનરાવર્તન અને પ્રોબ્લેમ સોલ્યુશન કરવામાં આવશે.

આ માટે બ્રિજ કોર્સના આધારે વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવશે. જુલાઈમાં પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરાવાશે. પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત કસોટી ઓક્ટોબરમાં યોજાશે. જ્યારે દ્વિતીય સત્રાંત કસોટી એપ્રિલમાં યોજાશે. GCERT દ્વારા જાહેર કરાયેલા આયોજન મુજબ પ્રથમ સત્રમાં સત્રમાં જૂન માસમાં અભ્યાસના 19 દિવસો રાખવામાં આવ્યા છે.

જુલાઈમાં 27, ઓગસ્ટમાં 22, સપ્ટેમ્બરમાં 25, ઓક્ટોબરમાં 12 દિવસનો અભ્યાસ કરાવાશે. રાજ્યમાં 20 ઓક્ટોબરે દિવાળી હોવાથી ઓક્ટોબરના મધ્યમાં દિવાળી વેકેશન જાહેર કરાશે. જેથી પ્રથમ સત્રમાં 105 અભ્યાસના દિવસો રહેશે. ઓક્ટોબરમાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન છે. ત્યારબાદ બીજા શૈક્ષણિક સત્રનો નવેમ્બરમાં પ્રારંભથશે. જેમાં નવેમ્બરમાં અભ્યાસના 21 દિવસો રહેશે. ડિસેમ્બર માસમાં 26 દિવસ, જાન્યુઆરીમાં 25, ફેબ્રુઆરીમાં 24, માર્ચમાં 22, એપ્રિલમાં 24 દિવસ મળી કુલ 142 દિવસ રહેશે.