રાજકોટ પોલીસ પાસે 12 કરોડના વેરાની ‘ઉઘરાણી’ : મનપાને અચાનક જ પોલીસ યાદ આવી જતાં તર્ક-વિતર્ક
રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને નાણાકીય વર્ષ 2025-26ના વર્ષમાં 450 કરોડ રૂપિયાની વેરા વસૂલાતનો લક્ષ્યાંક મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવ્યો હોય ટીમ દ્વારા અત્યારથી જ વેરા વસૂલાત માટેની `ધાર’ સજાવી લેવામાં આવી છે. બીજી બાજુ સરકારી તંત્રની મિલકતો કે જેમનો અબજો રૂપિયાનો વેરો બાકી હોય તેની ઉઘરાણી કરવામાં તંત્ર દર વર્ષે વામણું પૂરવાર થઈ રહ્યું હોય આ વર્ષે એવું ન બને તે માટે આદેશો છૂટી રહ્યા છે. આમ તો મહાપાલિકાને કલેક્ટર, યુનિવર્સિટી, રેલવે, પોલીસ સહિતના તંત્ર પાસેથી વેરો વસૂલવાનો હોય છે પરંતુ ગુરૂવારે અચાનક જ અન્ય તંત્રને સાઈડમાં મુકી પોલીસ પાસેથી 12 કરોડ રૂપિયાનો બાકીવેરો વસૂલવા માટેનો આદેશ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા છૂટતાં અનેક તર્ક-વિતર્ક પણ થવા લાગ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક અને ટેક્સ બ્રાન્ચના મેનેજર વત્સલ પટેલને `રૂબરૂ’ બોલાવી પોલીસ પાસેથી કડકપણે વેરાની ઉઘરાણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે મહાપાલિકા દ્વારા નાની-મોટી મિલકતો પાસેથી વેરા વસૂલાત કરવામાં આવી રહી છે અને જો વેરો ભરપાઈ કરવામાં બાકીદાર આનાકાની કરે તો મિલકત સીલ કરાઈ રહી છે પરંતુ પોલીસ તંત્ર છેલ્લા પાંચેક વર્ષથી વેરો ભરપાઈ કરી રહ્યું ન હોય તેમની પાસેથી પણ ઉઘરાણી કરવી જરૂરી બની જાય છે.
ટેક્સ બ્રાન્ચને પોલીસ તંત્ર પાસેથી ફટાફટ ઉઘરાણી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે સાથે સાથે જો નિશ્ચિત સમયમાં વેરો ભરપાઈ કરવામાં ન આવે તો પછી પોલીસ તંત્ર હસ્તકની મિલકતને સીલ મારી દાખલો બેસાડવાની સુચના પણ ચેરમેન દ્વારા આપવામાં આવી હતી.

જાણવા મળ્યા પ્રમાણે પોલીસ કમિશનર કચેરી, પોલીસ કમિશનર બંગલો, સાયબર ક્રાઈમ-ડીસીબી પોલીસ મથક ઉપરાંત અલગ-અલગ પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટર સહિતની મિલકતોનો કરોડો રૂપિયાનો મિલકતવેરો બાકી હોય તેની ભરપાઈ કરવા હવે નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ જો પોલીસ તંત્ર દ્વારા તાકિદે વેરો નહીં ભરવામાં આવે તો મહાપાલિકા દ્વારા કોર્ટના દ્વાર પણ ખટખટાવવામાં આવી શકે છે.
પોલીસનો દર વખતે શું હોય છે જવાબ ?
ટેક્સ બ્રાન્ચના સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે મહાપાલિકા દ્વારા વર્ષમાં ત્રણથી ચાર વખત લેખિત રિમાઈન્ડર આપવામાં આવે છે સાથે સાથે છાશવારે પોલીસ તંત્ર સાથે જ્યારે મહાપાલિકાની બેઠક હોય ત્યારે પણ આ અંગેની `યાદી’ આપવામાં આવે છે પરંતુ જ્યારે પણ ઉઘરાણી કરાય ત્યારે પોલીસ દ્વારા `અમને સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી, ગ્રાન્ટ આવશે એટલે વેરો ભરપાઈ કરી દેશું’ તેવો જવાબ આપવામાં આવે છે.