ખોદાયેલા રોડ ઝડપથી બૂરો, સોનીબજાર-રૈયા નાકા ટાવર પાસે દબાણ દૂર કરો : MLA રમેશ ટીલાળાએ ફરિયાદોનો કર્યો ‘વરસાદ’
ચોમાસું એકદમ નજીક આવી ચૂક્યું છે બરાબર ત્યારે જ મહાપાલિકા દ્વારા શહેર આખામાં ખોદાણ કરીને ડીઆઈ પાઈપલાઈન બિછાવવામાં આવી રહી છે સાથે સાથે શહેરના હાર્દ સમા યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોક વોંકળાનું કામ કમોસમી વરસાદને કારણે અટકી ગયું હોય ચોમાસા પહેલાં પૂર્ણ થશે કે નહીં તે એક મોટો પ્રશ્નાર્થ છે ત્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા પણ મહાપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આ સહિતની ફરિયાદોનો `વરસાદ’ વરસાવતાં અધિકારીઓમાં દોડધામ થઈ જવા પામી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડે.મ્યુ.કમિશનર મનિષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ સહિતની હાજરીમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ એક સાથે 12 જેટલી ફરિયાદો કરી હતી. રમેશભાઈએ જણાવ્યું કે અત્યારે શહેરમાં ચારે બાજુ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે ચોમાસા પહેલાં આ તમામ રોડને બૂરવા જરૂરી બની ગયા છે. આ ઉપરાંત સોની બજાર અને રૈયા નાકા ટાવર પાસે વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યો હોય ત્યાં રહેલા દબાણો દૂર કરવા જોઈએ.
ખાસ કરીને સર્વેશ્વર ચોક વોંકળાનું કામ કે જે અત્યારે અટકી ગયું છે તેને ઝડપથી શરૂ કરી કોઈપણ ભોગે ચોમાસા પહેલાં પૂર્ણ કરવા ટકોર કરી હતી. આ સિવાય અલગ-અલગ વિસ્તારોની નાની-નાની શેરીઓમાં જ્ઞાતિની વાડી આવેલી છે જ્યાં ફાયર ફાઈટર પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હોવાને કારણે આ પ્રકારની વાડીઓને ફાયર એનઓસી અપાઈ રહ્યું ન હોય અત્યારે બંધ જેવી સ્થિતિમાં હોય આ દિશામાં કોઈ રસ્તો કાઢવો જરૂરી બની જાય છે.
એકંદરે રમેશભાઈ ટીલાળાએ આ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, દબાણ હટાવ, ફાયર, પ્રાણી રંજાડ સહિતની શાખાઓને લગત 12 જેટલી ફરિયાદ કરી હતી.
દરમિયાન મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે ધારાસભ્યો માટે ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ ધારાસભ્યો કોઈપણ સ્થળેથી મહાપાલિકાને લગતી ફરિયાદ કરી શકે છે સાથે સાથે ફોટો પણ અપલોડ કરી શકે છે. આ ફરિયાદનું મહાપાલિકા દ્વારા મોનિટરિંગ કરી નિરાકરણ અંગેનું સ્ટેટસ પણ જાણી શકશે.
