રાજકોટની ગ્રાન્ટેડ સ્કૂલનો “આદિત્ય” ચમક્યો: IIT નાં દરવાજા ખોલ્યાં
વિરાણી હાઈસ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલા આદિત્ય ચોટલીયાએ “ગેટ”(GATE) ની પરીક્ષામાં ઓલ અવર ઇન્ડિયામાં 154 નો રેન્ક પ્રાપ્ત કર્યો
રાજકોટની ગ્રાન્ટેડ સ્કૂલનાં તેજસ્વી વિદ્યાર્થી માટે આઈ.આઈ.ટી.ના દરવાજા ખુલ્યા છે તો સૌરાષ્ટ્ર માટે ગૌરવ લેવા જેવી વાત છે.દેશની ટોપ એન્જીનીયરીંગ કોલેજ સુધી પહોંચવા માટે કાંટાળી વાડ પર ચાલવુ પડે છે. લાખો રૂપિયાના ખર્ચે પરીક્ષાની તૈયારી કરાવતા ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારબાદ પણ આંગળીના વેઢે ગણાય એટલા જ છાત્રો અહીં સુધી પહોંચતા હોય છે.
જ્યારે અહીં વાત કરીએ તો ગુજરાતી માધ્યમ અને એ પણ ગ્રાન્ટેડ એવી વિરાણી હાઇસ્કુલનાં વિદ્યાર્થી રહી ચૂકેલા આદિત્ય ચોટલીયાએ તાજેતરમાં લેવાયેલી “ગેટ”(GATE) ની પરીક્ષામાં ઓલ અવર ઇન્ડિયામાં 154 નો રેન્ક પ્રાપ્ત કરી દેશની ટોપ આઈ.આઈ.ટી.સુધી પહોંચી ટોચનાં શિખર સુધી પહોંચી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની સફળતામાં એક પેઇજ ઉમેર્યું છે.
મન હોય તો માળવે જવાયની કહેવતને સાર્થક કરનાર આ વિધાર્થીને આઈ.આઈ.ટી.માંથી અભ્યાસ કર્યા બાદ ઇસરો કે પી.આર.એલ માં જઈ દેશ માટે પોતાની ફરજ અદા કરવાનું સ્વપ્ન છે.આદિત્યની આ સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
