વકફ બીલને કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યું
રાજ્યસભામાં વકફ બિલ પર 17 કલાક અને 2 મિનિટ ચર્ચા થઈ, આ રેકોર્ડ તોડવો મુશ્કેલ
લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત : રાજ્યસભામાં પરોઢિયે ૪ વાગ્યે બીલ થયું પસાર
બહુચર્ચિત વકફ સુધારા બીલ લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું છે. હવે આ બીલ ઉપર રાષ્ટ્રપતિ મંજુરીની મહોર મારશે અને તે કાયદો બનશે. આ બીલ પાસ કરાવતા પહેલા બન્ને ગૃહમાં ભારે હોબાળો થયો હતો પણ બીલ પાસ થઇ ગયું છે અને હવે સંસદના બંને ગૃહ પણ અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બીલને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યું છે. કોંગ્રેસના કિસનગંજના સાંસદ મોહંમદ જાવેદે એક અરજી કરીને કહ્યું છે કે, આ વકફ સુધારા બીલ ગેરબંધારણીય છે.
બીજી બાજુ કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બંને ગૃહોની કામગીરીની વિગતો દેશ સમક્ષ રજૂ કરી છે. તેમણે કહ્યું, ‘આપણે રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, આપણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.’ અમે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પર 17 કલાક અને 2 મિનિટ ચર્ચા કરી છે. આ રેકોર્ડ તોડવો ખૂબ જ મુશ્કેલ લાગે છે. વકફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન એક પણ વિક્ષેપ પડ્યો નહીં.
કિરેન રિજિજુએ ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના બિલને બળજબરીથી પસાર કરવાના નિવેદન પર કહ્યું, ‘સોનિયા ગાંધી એક વરિષ્ઠ નેતા છે, હું તેમના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.’ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક દરમિયાન એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે બિલ (વક્ફ સુધારો અધિનિયમ) બળજબરીથી અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને પસાર કરવામાં આવ્યો હતો. મેં આ અંગે દરેક પરિસ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. મેં તમને કહ્યું કે આમાં કેટલી મહેનત કરવામાં આવી છે. અમે ચર્ચા રેકોર્ડ કરી. સંસદીય ઇતિહાસમાં આટલી ચર્ચા પહેલા ક્યારેય થઈ નથી.
દરમિયાન કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, રાજ્યસભામાં વકફ બીલ ઉપર ૮ કલાક ચર્ચા થવાની હતી. આ ચર્ચા ૧ વાગ્યે શરુ થઇ હતી અને ૯ વાગ્યે ખતમ થવાની હતી. પરંતુ ૨.૨૦ વાગ્યે મતદાન થયું અને ગૃહની કામગીરી સવારે ૪ વાગ્યા સુધી ચાલી હતી. આ પદ્ધતિ ગેરકાયદેસર છે. જયારે આ મામલો સુપ્રિમ કોર્ટમાં જશે ત્યારે તેને ગેરબંધારણીય જાહેર કરવામાં આવશે. અમે લડાઈ લડશું.
બીજી તરફ શુક્રવારે લોકસભામાં બંગાળમાં ૨૫ હજાર શિક્ષકોની નિયુક્તિ રદ કરવાના મામલે હંગામો થયો હતો. અને આ પછી સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત કરી દીધી હતી. આ પછી રાજ્યસભા પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.
સંસદના બંને ગૃહમાં વકફ સુધારા બીલ પસાર થઇ ગયા પછી કોંગ્રેસે એવી જાહેરાત કરી હતી કે, તે આ મામલાને સુપ્રિમ કોર્ટમાં લઇ જશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી હતી. આ પછી કિસનગંજના સાંસદ મોહમંદ જાવેદે કોર્ટમાં આ બીલ સામે અરજી દાખલ કરી છે.
