રાજકોટમાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસૂલવા ઝુંબેશરૂપે કાર્યવાહી : 150 અસામીઓની યાદી તૈયાર
રાજકોટ : રાજકોટ જિલ્લામાં જીઆઇડીસી દ્વારા ભાડાપટ્ટે ફાળવવામાં આવતા પ્લોટમાં તેમજ આવા પ્લોટના તબદિલીના કિસ્સામાં નિયમ મુજબ સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવામાં આવતી ન હોવાથી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર દ્વારા સ્ટેમ્પડયુટી વસૂલવા આદેશ કરવામાં આવતા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા ઝુંબેશરૂપે કામગીરી કરી હાલમાં આજી જીઆઇડીસી તેમજ ભક્તિનગર જીઆઈડીસીના પ્લોટ હોલ્ડરોની યાદી તૈયાર કરી સ્ટેમ્પ ડયુટી વસૂલવા કડક કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ 1958 અન્વયે જીઆઈડીસીના પ્લોટ, શેડ, વગેરે મિલ્કતની ફાળવણી સમયે ફાળવણીદારના લીઝ એગ્રીમેન્ટને આર્ટિકલ 30 અન્વયે દસ્તાવેજ નોંધણી કચેરીમાં નોંધણી ફરજીયાત છે. આ ઉપરાંત જીઆઈડીસીના પ્લોટના ફેર વેચાણ અગર તો તબદિલીના કિસ્સામાં ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ 1958ના આર્ટિકલ 57 અન્વયે રજીસ્ટ્રેશન ફરજીયાત હોવા છતાં જીઆઇડીસી દ્વારા કે ફાળવણીદારો દ્વારા આવી ફાળવણી કે તબદિલીના કિસ્સામાં યોગ્ય સ્ટેમ્પ ડયુટીનો વપરાશ કરવામાં આવતો ન હોવાથી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર દ્વારા જીઆઈડીસીના કિસ્સામાં સ્ટેમ્પ ડયુટી વસૂલવા આદેશ કરવામાં આવતા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી રથમ તબક્કે જ આવા 150થી વધુ પ્લોટ હોલ્ડરની યાદી તૈયાર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના જ જાહેર સાહસ એવા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જ સરકારનું હિત ડુબાડવાના કિસ્સામાં જીઆઇડીસી દ્વારા કોઈ નોંધનીય કામગીરી કરવામાં આવતી ન હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ અન્વયે જીઆઈડીસીના પ્લોટ અને શેડના 99 વર્ષના ભાડે પટ્ટે ફાળવણીના સમયે તેમજ તબદિલીના કિસ્સામાં મૂળ ફાળવણીદાર કે તબદીલ કરાવનાર પાસે દસ્તાવેજ નોંધણી કચેરીમાં દસ્તાવેજની નોંધણી જ કરાવવામાં આવતી ન હોવાથી હાલમાં સરકારના જ બીજા વિભાગને વર્ષો જુના થોથા ઉથલાવી સ્ટેમ્પ ડયુટી વસુલવાની નોબત આવી છે.