સાપસીડી, કેરેમ, લુડો અને ટિકટોક સાથે વિદ્યાર્થીઓ ભણે છે વિજ્ઞાન: રાજકોટનાં શિક્ષિકાનું ઇનોવેશન
રમતાં રમતાં શિક્ષણ શીખવા મળે તો બાળકોને ભણતરનો ભાર લાગતો નથી: રાતૈયા શાળાનાં શિક્ષિકા કવિતા
ભટાસણાની આ ફોર્મ્યુલાની શિક્ષણ વિભાગે નોંધ લેતાં ઇનોવેશન રાજ્યકક્ષાએ ચમકયું:
જો રમતાં રમતાં શિક્ષણ શીખવા મળે તો બાળકોને ભણતરનો ભાર લાગતો નથી. નવી શિક્ષણનીતિમાં પણ ગોખણીયા જ્ઞાનને બદલે પ્રેક્ટીકલ શિક્ષણનો સમાવેશ કરાયો છે. રાજકોટ જિલ્લાના શિક્ષિકા કવિતા ભટાસણાએ વિજ્ઞાનનાં વિષયમાં ઇનોવેશન કરી ફોર્મ્યુલા અને પ્રયોગોના બદલે અલગ અલગ ગેઇમ્સ સાથે વિદ્યાર્થીઓને વિજ્ઞાન જેવો અઘરો વિષય સરળતાથી શીખવી રહ્યા છે.જેની નોંધ રાજ્ય કક્ષાએ લેવામાં આવી છે.
તાજેતરમાં રાજ્યના તમામ શિક્ષકો માટે ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયેલો હતો જેમાં રાજ્યકક્ષાએ કવિતાબેન એ વિજ્ઞાન પર બનાવેલા અલગ અલગ 10 જેટલા ઉખાણાની પસંદગી થઈ છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલી રાતૈયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષિકા કવિતાબેન ભટાસણા એ સાયન્સમાં ઉખાણા અને રમતો દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કઈ રીતે અભ્યાસ કરાવી શકાય તે અંગેનો ઇનોવેશન રજૂ કર્યો હતો આ અંગે “વોઇસ ઓફ ડે” સાથે વાતચીત કરતા કવિતાબેનએ જણાવ્યું કે, વિજ્ઞાન જો સમજાય તો સરળતાથી શીખવી શકાય,આથી હું બાળકોને અલગ અલગ ગેઇમ્સ બનાવીને વિજ્ઞાનને સમજાવું છું,જેને કારણે ગોખણપટ્ટી કરવી પડતી નથી.
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ દ્વારા આખા ગુજરાતમાંથી નવતર પ્રયોગ કરનારા શિક્ષકોની પસંદગી ઇનોવેશન ફેસ્ટિવલમાં કરવામાં આવે છે. રાજ્યકક્ષાનો 10 મો એજ્યુકેશનલ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં ગુજરાતમાંથી 41 ઇનોવેશન રજૂ થયા જેમાં કવિતાબેન નો પણ ઇનોવેશન રજૂ થતાં ઝોન કક્ષાએ નંબર મેળવીને રાજ્યકક્ષાએ પોતાનો ઇનોવેશન રજૂ કર્યું હતું.જી.સી.ઇ.આર.ટી.ના સચિવ ડુમરાળીયા સહિત શિક્ષણ તજજ્ઞોએ શુભેચ્છા પાઠવી હતી.કવિતાબેનએ વિજ્ઞાન પર 11 રમતો બનાવી છે.
કોન બનેગા જીનિયસ,સાયન્સ તબુ, વિજ્ઞાન ટિકટોક જેવી રમતોથી ચેપ્ટર શીખવે છે
વર્ષ 2023 થી કવિતાબેનને આ રીતે વિજ્ઞાન માટેની અલગ અલગ ડિઝાઇન બનાવી હતી ,જેમાં ધોરણ 6,ધો.7,ધો.8ના વિજ્ઞાનના દરેક પ્રકરણને અનુરૂપ પણ ગેમની ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં કાર્ડ ગેમ, કોન બનેગા જીનિયસ,લુડો, સાપસીડી, મેજિક વર્ગીકરણ,સાયન્સ તબુ,જાદુઈ બુજો, જોરદાર મિત્રો, ઉખાણા ગેમ તેમજ વિજ્ઞાન ટિકટોક, સાયન્સ પઝલ સહિતની અલગ અલગ ગેમ રમાડવામાં આવે છે જેનો સમય 30 મિનિટથી 60 મિનિટ સુધીનો હોય છે. વિજ્ઞાનના અલગ અલગ પ્રકરણને અનુરૂપ ગેમ ડિઝાઇન ડિઝાઇન કરવામાં આવી છે.
ત્રણ વર્ષથી રમતાં રમતાં શીખે છે વિજ્ઞાન,પરિણામમાં સુધારો
આ ઇનોવેશનની મૂલ્યાંકન પદ્ધતિ પ્રિ ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ દ્વારા લેખિત સ્વરૂપે કરવામાં આવી હતી. ત્યારબાદ એકમ કસોટી અને અન્ય પરીક્ષા ના પરિણામ પરથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધી છે. પરીક્ષાના પરિણામમાં પણ સુધારો થયો છે. નેશનલ મેરીટની પરીક્ષામાં નવું વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હતા. વિજ્ઞાનની જેમ દરેક વિષયમાં આ ઇનોવેશન બનાવવામાં આવે તો દરેક વિષયના પરિણામમાં સુધારો આવે અને વિદ્યાર્થીઓની તર્ક શક્તિનો પણ વિકાસ થઈ શકે તેમ છે