મસાલા માર્કેટમાં ખરીદીનો ‘તડાકો ‘ : મરચાંના ભાવમાં થયો ઘટાડો તો ધાણા-હળદરના ભાવમાં વધારો, જાણો કેટલો છે ભાવ
બારેમાસનાં મસાલા સ્ટોર કરવાની મોસમ આવતાંની સાથે જ મહિલાઓ શહેરની “મરચાપીઠ” માં જોવા મળી રહી છે .ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આખા વર્ષનું અનાજ અને મસાલો ખરીદી કરી લેવાની પરંપરા ચાલતી આવી છે.હોળી અને ધુળેટીના તહેવાર પૂર્વે જ શહેરનાં અનેક સ્થળોએ મરચાપીઠ ભરાય છે.આજકાલ તો રેડીમેઈડ પેકેટ બજારમાં મળતાં હોવાં છતાં પણ ગૃહિણીઓ જાતે જ મસાલા માર્કેટમાં જઈ નજર સામે જ મરચું,ધાણા-જીરું,હળદર સહિતના મસાલા બનાવડાવે છે.

આથી જ રાજકોટમાં વર્ષોથી મસાલા માર્કેટ ભરાઈ છે,શહેરનાં જુના અને નવા વિસ્તારોમાં અનેક મરચાપીઠ ભરાય છે, આ વર્ષે મરચાનું ઉત્પાદન વધારે થયું હોવાથી મસાલામાં સૌથી નીચા ભાવ મરચાનાં છે. વેપારી વિક્રમભાઈ તન્નાએ “વોઇસ ઓફ ડે”સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, 80% મરચું આંધ્રપ્રદેશમાંથી આવે છે.આંધ્રપ્રદેશમાં આવેલું મરચાનું પીઠું દેશનું સૌથી મોટું પીઠું ગણાય છે,આ વર્ષે ત્યાં મબલક પાક થયો છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ મરચાનો પાક વધારે થયો હોવાથી ભાવમાં 50% થી પણ વધુ ઘટાડો આવ્યો છે.

આઠ વર્ષ અગાઉ પણ મરચાનાં ભાવમાં આવી જ ફિકાશ આવી હતી. હજુ આગામી દિવસોમાં પણ મરચું ઘણું સસ્તું થઈ જશે તેવી શક્યતા સાથે વેપારીએ જણાવ્યું હતું કે,રાજકોટમાં રેશમપટ્ટો, ડબલ રેશમપટ્ટો, કાશ્મીરી, અગ્નિ અને ટમેટો આ જાતનું મરચું ખપે છે. રેશમપટ્ટાનો ભાવ કિલોએ 400 થી 450 અને કાશ્મીરી મરચાનો ભાવ 150 થી 200 વચ્ચેનો હાલના સમયમાં બોલાઈ રહ્યો છે હજુ પણ આ ભાવ ઘટી જશે. ધાણી અને હળદરમાં 15% નો ભાવ વધારો થયો છે,ધાણી પ્રતિ કિલો 110 થી 250, હળદર 120 થી 300 રૂપિયા, ધાણાનો ભાવ 70 રૂપિયાથી 110, જીરાના ભાવ પણ ઉંચકાયા હોવાથી સારી ક્વોલિટીનું જીરું ₹300 થી 360નું કિલો છે.

