Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય… હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન
ક્રિકેટનો સૌથી મોટો તહેવાર એટલે કે IPLને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 22મી માર્ચે પહેલી મેચ કલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાવાની છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના પહેલા મેચ માટે જ નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન હિટમેન રોહિત શર્માને નહીં પણ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 ની પોતાની પહેલી મેચની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપી છે. આનો અર્થ એ થયો કે 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હાર્દિક નહીં પણ સૂર્યા ટીમનું નેતૃત્વ કરશે.
હાર્દિક પંડ્યાના સ્થાને સુર્યકુમાર યાદવ
હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ છે. અને હવે અનુભવી ખેલાડી સ્કાઇ એટલે કે સુર્યકુમાર યાદવ MIના નવા કેપ્ટન બન્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થાય તે પહેલા જ આ સમાચારે ચર્ચાનો દૌર શરુ કર્યો છે. હાર્દિક પાસેથી એક મેચની કેપ્ટનશીપ કેમ છીનવી લેવામાં આવી? તો તમને જણાવી દઈએ કે મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા સીઝનની પહેલી મેચ રમશે નહીં. તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધીમા ઓવર રેટના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બાદ હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે તેમની ગેરહાજરીમાં સુર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “સુર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરે છે. તે આઈપીએલ 2025ની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું પણ નેતૃત્વ કરશે.” ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટનશીપ સોંપી હતી. આ ક્રિકેટ રસિકો માટે આશ્ચર્યજનક રહ્યુ હતુ. જે બાદ મુંબઈ ટીમ તેમજ હાર્દિક પંડ્યાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 2024થી IPL સીઝનમાં મુંબઈનું પ્રદર્શન પણ ખૂબ જ ખરાબ રહ્યું છે.
મુંબઇની સામે ચેન્નઇની મેચ
મુંબઈનો પહેલો મુકાબલો ચેન્નઈ સાથે છે. આ પછી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમશે. આ મેચ 29 માર્ચે રમાશે. તેનો ત્રીજો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે છે. આ મેચ 31 માર્ચે રમાશે. મુંબઈની છેલ્લી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ સામે છે, જે 15 મેના રોજ રમાશે. 22 માર્ચેથી IPL 2025 એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ શરુ થવા જઇ રહી છે. તેની ઓપનિંગ સેરેમની કોલકાતામાં યોજાવાની છે. અને પ્રથમ મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે થશે. પહેલી મેચની ટક્કર ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં થવાની છે. જેને લઇને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
