પડતર પ્રશ્નોને લઈ રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓની વિશાળ રેલી
આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ શરૂ, ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરી ગ્રેડ પે વધારો કરવા માંગ
જિલ્લા પંચાયત કચેરી હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ચાલતી શાંતિપૂર્વકની લડાઈ ગઈકાલથી આક્રમક બની છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરી ગ્રેડ પે વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે ત્યારે મંગળવારે રાજકોટમાં 700 જેટલા આરોગ્ય કર્મચારીઓએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલા રાજ્યભરના સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી તેમજ જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તેમજ જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે પગાર સુધારણા તેમજ ખાતાકીય પરીક્ષા સદંતર રદ કરવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે.
વધુમાં રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના 1000 જેટલા કર્મચારીઓ હાલમાં હડતાળ ઉપર ઉતરી ગયા છે જે પૈકી મંગળવારે 700 જેટલા કર્મચારીઓએ આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ મહારેલી યોજી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી જ્યાં સુધી તેમની માંગણી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા એલાન કર્યું હતું.