‘અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા’ જાફર એક્સપ્રેસ અપહરણકાંડનો લોહિયાળ અંજામ, બલોચ ઉગ્રવાદીઓનો દાવો
પાકિસ્તાનની પેસેન્જર ટ્રેનનું અપહરણ કરનાર બલોચ બળવાખોરોએ શુક્રવારે બંધક બનાવાયેલા તમામ 214 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે પાકિસ્તાને એ દાવાને નકારી તેના માત્ર 23 સૈનિકો જ શહીદ થયા હોવાનું જણાવ્યું હતું.
બલોચ બળવાખોરોએ રેલ્વે ટ્રેક પર બોમ્બ ધડાકા કરી જાફર એક્સપ્રેસ ટ્રેનને અટકાવી હતી અને બાદમાં તેમાં રહેલા 400 કરતાં વધારે મુસાફરોને બંધક બનાવ્યા હતા. એ ટ્રેનમાં મોટાભાગના સુરક્ષા દળ ના સૈનિકો હતા.
બુધવારે બલોચ ઉગ્રવાદીઓએ આ બંધકોને છોડવાના બદલામાં પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા બલોચ લડાકુઓને મુક્ત કરવા માટે 47 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. એ મુદત પૂરી થયા બાદ શુક્રવારે તમામ બંધક સૈનિકોને પતાવી દીધા હોવાનું બલોચ લીબ્રેશન આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
પાકિસ્તાને અક્કડ વલણ અપનાવી એ વાગડી ન સાંભળતા અંતે સૈનિકોને મારી નાખવાની ફરજ પડી હતી તેવું પણ એ પ્રવક્તાએ એ જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના કેટલાક સૈનિકોને સ્પેશિયલ બોગીમાં બંધ કરી દેવાયા હતા અને કેટલાક સૈનિકોને અન્ય સ્થળે લઈ જવાયા હતા. પાકિસ્તાન સેનાએ બચાવ ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેમને ઘેરી અને આક્રમક હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
બીજી તરફ પાકિસ્તાને 214 સૈનિકો માર્યા ગયા હોવાના દાવાને ખોટો ગણાવી અને બુધવારે જ બીએલએની ઘેરાબંધી પૂરી થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં 23 સૈનિકો, રેલવેના ત્રણ કર્મચારીઓ તથા પાંચ મુસાફરો માર્યા ગયા હોવાનું પાકિસ્તાને સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.
