રાજકોટ લોકમેળામાં ફજેત-ચકરડીનાં ધંધાર્થીઓ હરરાજીમાં ભાગ લેવા તૈયાર
જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળાનાં ફજેત-ચકરડીનાં ધંધાર્થીઓ વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી ચાલતો વિવાદ અંતે શાંત પડયો છે. અને આજે બપોરે 3-30 બાદ શરૂ થનાર 44 યાંત્રીક રાઈડ પ્લોટની હરરાજીમાં વેપારીઓ ભાગ લેનાર હોવાનું વહીવટી તંત્રના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાંત્રીક રાઈડસનાં 44 પ્લોટ માટે 86 વેપારીઓએ ફોર્મ ભર્યા હતા.ત્યારે ચાલુ વર્ષે તંત્રએ પ્લોટની અપસેટ પ્રાઈઝમાં વધારો કરતા વેપારીઓએ ફજેત-ચકરડીનાં ટીકીટનાં દરોમાં વધારો કરવા માંગણી કરી હતી.આથી તંત્રએ ટીકીટના દર રૂા.30 નાં 40 કરી આપેલ હતા. જોકે વેપારીઓએ ટીકીટનાં દર રૂા.40 ને બદલે 50 કરી આપવા માંગણી કરી અને ત્રણ વખત હરરાજીનો બહિષ્કાર કર્યો હતો છતાં તંત્રએ ભાવ વધારો નહી કરવા મકકમતા દર્શાવી હતી.
દરમ્યાન ગઈકાલે બપોર બાદ રાઈડસનાં સંચાલકો અને જીલ્લા કલેકટર વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં પણ જીલ્લા કલેકટરે ટીકીટનાં દરો નહીં વધારવા સાફ વાત કરી હતી. આથી રાઈડસનાં સંચાલકોએ પાંચ દિવસનાં મેળામાં એક દિવસનો વધારો કરી આપવા રજુઆત કરી હતી. આ રજુઆત સંદર્ભે જીલ્લા કલેકટરે એક દિ મેળો લંબાવવા બાહેંધરી આપતા રાઈડસ સંચાલકો આજની હરરાજીમાં ભાગ લેવા તૈયાર થયાનું જાણવા મળેલ છે.