ક્રિકેટ પાછળ નવદંપતિની પાગલપંતી : અમદાવાદમાં ચાલુ લગ્નમાં દંપતીએ ઈન્ડિયા-પાકિસ્તાનના મેચની મજા માણી
રવિવારનો દિવસ ભારતના ક્રિકેટ ચાહકો માટે યાદગાર રહ્યો હતો અને કરોડો ક્રિકેટ ચાહકોએ ભવ્ય વિજયની ઉજવણી કરી હતી. અમદાવાદમાં એક નવદંપતિ પણ ક્રિકેટ પાછળ પાગલ છે. રવિવારે કાંકરિયા વિસ્તારમાં આવેલા બલવંતરાય હોલમાં તેમના લગ્ન યોજાયા હતા.
એક તરફ ગોરમહારાજ મંત્ર બોલતા હતા તો બીજી તરફ કોમેન્ટેટર ભારતની જીત વિશે બોલતો હતો. ભારતનો વિજય નિશ્ચિત છે તેમ માનીને લગ્ન મંડપમાં પણ ત્રિરંગા લગાવવામાં આવ્યા હતા અને મહેમાનોના હાથમાં પણ ત્રિરંગા આપવામાં આવ્યા હતા. મજાની વાત એ હતી કે હસ્તમેળાપ સમયે આ નવદંપતિએ હાથમાં મોબાઈલ રાખીને લાઈવ મેચ અને જીતની ક્ષણ માણી હતી.
મ ઈન્ડિયાની ‘વિરાટ’ જીત : કોહલીની શાનદાર સદી
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે ભારત-પાકિસ્તાન મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પરાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે રગદોળી નાખ્યું હતું. ભારતની જીતનો હિરો વિરાટ કોહલી રહ્યો હતો જેણે અણનમ સદી ફટકારી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે ૯૯% `ફાઈનલ’ થઈ ચૂકી હતી. જો ન્યુઝીલેન્ડ આજે બાંગ્લાદેશને હરાવી દે તો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે `ફાઈનલ’ થઈ જશે.
આ મેચમાં વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ૫૧મી સદી ફટકારી હતી. કોહલીએ ચોગ્ગો ફટકારીને આ સદી પૂણૅ કરી હતી. આ મેચમાં ભારતે ૨૪૨ રનનો લક્ષ્યાંક ૪૨.૩ ઓવરમાં જ હાંસલ કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી. ભારતને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો હતો કેમ કે કેપ્ટન રોહિત શર્મા ૧૫ બોલમાં ૨૦ રન બનાવી આઉટ થયો હતો. અહીંથી શુભમન ગીલ અને કોહલીએ મળીને ૬૯ રનની ભાગીદારી કરી હતી. ગીલ ૫૨ બોલમાં ૪૬ રન બનાવી આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો.
ગીલના આઉટ થયા બાદ કોહલીએ અય્યર સાથે મળીને બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારી થઈ હતી. કોહલીએ આ દરમિયાન ૬૨ બોલમાં ફિફટી પૂર્ણ કરી હતી. જ્યારે શ્રેયસ અય્યરે ૬૩ બોલમાં ફિફટી પૂરી કરી હતી. શ્રેયસ બાદ હાર્દિક પંડ્યા આઠ રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્યાં સુધીમાં ભારત જીતની નજીક પહોંચી ગયું હતું. છેલ્લે અક્ષર-વિરાટે મળીને ભારતને જીત અપાવી દીધી હતી.
આ મેચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રન બનાવ્યા હતા જેમાં સઉદ શકીલના ૬૨ રન મુખ્ય હતા. તેના ઉપરાંત રિઝવાને ધીમી ગતિએ ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ભારત વતી કુલદીપ યાદવે ત્રણ, હાર્દિક પંડ્યાએ બે વિકેટ ખેડવી હતી.