- નગરસેવકો પોતાના પ્રશ્નો,રજુઆતો,ફરિયાદ અને સુચનો એપ મારફતે કરી શકશે
રાજકોટ : સ્માર્ટ મોબાઈલના જમાનામાં રાજકોટ મહાનગર પાલિકા પણ સ્માર્ટ બની છે. હવેથી રાજકોટના નગરસેવકો તેમના વિસ્તારોના પ્રશ્નો, રજુઆતો, ફરિયાદ તથા કામના સુચનો તેમજ મહાનગરપાલિકાની અદ્યતન માહિતી “કાઉન્સિલર” મોબાઈલ એપ્લીકેશન મારફતે મેળવી શકશે.કાઉન્સિલર એપનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સિલર એપ લોન્ચ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોની કામગીરી સરળ બને તે માટે આધુનિક “કાઉન્સિલર એપ” બનાવવામાં આવી છે. થોડા સમય પહેલા જ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી જેના સારા પરિણામ બાદ આજે “કાઉન્સિલર એપ” લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લીકેશનમાં રાજકોટ મહાનગરપાલિકા લગત સેવાઓના ફોર્મ્સ, અધિકારીઓના ટેલીફોન નંબર, વોર્ડ ઓફિસ-આરોગ્ય કેન્દ્રના સરનામાં અને અખબારી યાદી જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે.
મ્યુનિસિપલ કમિશનરે એપ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “કાઉન્સિલએ એપ”માં આવતી રજુઆતો-પ્રશ્નો અંગે દર મહિને રીવ્યુ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એપ સરળ અને સમજી શકાય તેમ ગુજરાતી ભાષામાં ડેવલપ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કોર્પોરેટરો દ્વારા કરવામાં આવતી ફરિયાદો-રજુઆતોના નિવારણ માટે ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આ એપ્લીકેશન એન્ડ્રોઇડ એપ સ્ટોર, એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીવાળા યુગમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરો માટે અદ્યતન મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેના દ્વારા કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચેની કામગીરી સરળ અને ઝડપી બનશે.
“કાઉન્સિલર એપ” લોન્ચિંગ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટર, નાયબ મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.