રાજ્યની 6 કોલેજોમાં AI લેબ સ્થપાશે : બજેટમાં રૂ.૧૭૫ કરોડ ફાળવણી, જાણો ટેક્નોલોજીને લઈને બીજી શું જાહેરાત કરાઈ ?
ગુજરાત સરકાર દ્વારા આજના સમયમાં વધી રહેલી એઆઈ ટેક્નોલોજીના વ્યાપને ધ્યાને લઈ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે પોણા બસ્સો કરોડની જોગવાઈ કરી છે. સાથે સાથે વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ જેવા અભ્યાસક્રમો ઘરઆંગણે કરી શકે તે માટે પણ ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી માટે સો કરોડની ફાળવણી કરી છે.
રાજ્ય સરકારે બજેટમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૭૮ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા ૪૧૦ કરોડની જોગવાઇ કરી એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે રૂપિયા ૧૭૫ કરોડની જોગવાઇ.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઇ કરી અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં ૦૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે રૂપિયા ૨૫ કરોડની જોગવાઇ કરી છે.