બેન્ક ડૂબે તો પણ ખાતામાં રૂપિયા ૫ લાખથી વધુની રકમ સુરક્ષિત રહેશે
નાણામંત્રી નિર્મલાની હાજરીમાં નાણા સચિવની જાહેરાત : ડિપોઝિટ વિમાની સીમા વધારી દેવાશે દરખાસ્ત તૈયાર છે, મંજૂરીની
બેન્કોમાં ખાતેદારોની થાપણ સામેના વીમા કવચની મર્યાદા રૂપિયા ૫ લાખથી વધારવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર એક વખત નિર્ણય કરશે ત્યારબાદ નાણાં મંત્રાલય તે મતલબનું નોટિફિકેશન જાહેર કરશે એમ નાણાંકીય સેવા બાબતોના સચિવ એમ નાગરાજુએ જણાવ્યું હતું. જો કોઈ બેન્ક ડૂબી જાય તો લોકોના ખાતામાં રહેલી રૂપિયા ૫ લાખથી વધુની રકમ સુરક્ષિત રહેશે.
આ દરખાસ્ત પર કયારે નિર્ણય લેવાશે તેની કોઈ સમયમર્યાદા નિશ્ચિત કરાઈ નથી એવી પણ તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતા સ્પષ્ટતા કરી હતી. ગયા સપ્તાહે મુંબઈસ્થિત ન્યુ ઈન્ડિયા સહકારી બેન્કનું પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ થાપણ સામે વીમા કવચની મર્યાદાનો મુદ્દો ઊભો થયો છે.

૧૩મીએ એક નિર્ણય મારફત રિઝર્વ બેન્કે ન્યુ ઈન્ડિયા સહકારી બેન્ક પર વિવિધ અંકૂશો મૂકી દીધા હતા. .ડિપોઝિટ ઈન્સ્યૂરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશને બેન્કમાં થાપણદારોની પડેલી રકમ સામે દાવાની પતાવટની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થાપણદારોએ તેમના દાવા ૩૦મી માર્ચ સુધીમાં રજૂ કરી દેવાના રહેશે અને દાવા ૧૪મી મે સુધીમા ંચૂકવી દેવાશે એમ રિઝર્વ બેન્કના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું.
હાલમાં બેન્ક થાપણદારોને રૂપિયા પાંચ લાખ સુધીનું વીમા કવચ મળે છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કની કટોકટી બાદ બેન્ક થાપણ સામેનું વીમા કવચની રકમ રૂપિયા એક લાખ પરથી વધારી રૂપિયા પાંચ લાખ કરવામાં આવી હતી. આમ થવાથી બેન્ક થાપણદારોને મોટી રાહત મળશે .