રાજકોટમાં રવિન્દ્ર જાડેજા સામે દિલ્હી ઘૂંટણીયે: ૧૮૮ રનમાં ઓલઆઉટ
જાડેજાએ ખેડવી પાંચ વિકેટ: પંત માત્ર એક રન બનાવી શક્યો, આયુષ બદોનીએ બનાવ્યા ૬૦ રન
સૌરાષ્ટ્ર વતી હાર્વિક સદી ચૂક્યો, જાડેજાએ ૩૬ બોલમાં ઝૂડ્યા ૩૮ રન: સૌરાષ્ટ્ર ૧૬૩/૫
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચના પ્રથમ દિવસે જ ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવતાં દિલ્હીની ટીમ ઘૂંટણીયે પડી જવા પામી હતી. દિલ્હી પ્રથમ ઈનિંગમાં ૧૮૮ રને ઓલઆઉટ થઈ ગયું હતું જેના જવાબમાં સૌરાષ્ટે્ર દિવસની રમતના અંતે ૩૮.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૩ રન બનાવી લીધા હતા.
આ મેચમાં દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી પરંતુ તેનો નિર્ણય ખોટો સાબિત થયો હોય તેમ ૪૯.૪ ઓવરમાં ૧૮૮ રનમાં દસેય વિકેટ ગુમાવી હતી. દિલ્હી વતી સનત સાંગવાને ૧૨, યશ ધૂલે ૪૪, જોન્ટી સિદ્ધુએ ૧૬, મયંક ગુસૈને અણનમ ૩૮ રન બનાવ્યા હતા. જ્યારે મેચનું આકર્ષણ રહેલો ઋષભ પંત માત્ર એક રન જ બનાવી શક્યો હતો. બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી રવિન્દ્ર જાડેજાએ ૧૭.૪ ઓવરમાં ૬૬ રન આપી પાંચ, ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ, યુવરાજસિંહ-જયદેવ ઉનડકટે એક-એક વિકેટ ખેડવી હતી.

દિલ્હીના ૧૮૮ રનના જવાબમાં સૌરાષ્ટે્ર પણ પાંચ વિકેટે ૧૬૩ રન બનાવી લીધા હતા. સૌરાષ્ટ્ર વતી ઓપનિંગ બેટર હાર્વિક દેસાઈએ ૧૨૦ બોલમાં ૯૩ રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૩૬ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૩૮ રન ઝૂડ્યા હતા. આ સિવાય ચિરાગ જાનીએ ૧૧, ચેતેશ્વર પુજારાએ છ અને શેલ્ડન જેક્શન સાત રનનું યોગદાન આપ્યું હતું. હવે સૌરાષ્ટ્ર દિલ્હી કરતા ૨૫ રન પાછળ છે.
રવિન્દ્રએ ૩૫મી વખત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખેડવી પાંચ વિકેટ
દિલ્હી સામે સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી મુકાબલો રમતાં રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ મેળવી હતી. આ સાથે જ તેણે ૩૫મી વખત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાની ઉપલબ્ધી હાંસલ કરી હતી. રવિન્દ્રએ સનત સાંગવાન, યશ ઢુલ, આયુષ બદોની, હર્ષ ત્યાગી અને નવદીપ સૈનીને આઉટ કર્યા હતા.