દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી નક્કી થશે : આવતીકાલે રામલીલા મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાશે
- આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક: રામલીલા મેદાનમાં ભવ્ય શપથ સમારોહ સવારે ૧૧ વાગે યોજાશે
- વડાપ્રધાન મોદી, અમિત શાહ, ભાજપના નેતાઓ, મુખ્યમંત્રીઓ અને ઝુંપડપટ્ટીના રહેવાસીઓ હાજરી આપશે
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના 12 દિવસ પછી, 20મીએ ગુરુવારે રામલીલા મેદાનમાં ભવ્ય શપથ સમારોહ સાથે કેસરિયા થશે. ભાજપના નવા મુખ્યમંત્રી શપથ લેશે અને એ પહેલા આજે દિલ્હીમા ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જશે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ જ આ નામ નક્કી કરશે.
શપથ સમારોહના સમયમાં ફેરફાર જાહેર કરાયો છે અને ગુરુવારે સાંજે ૪-૩૦ના બદલે સવારે ૧૧ વાગે સમારોહ યોજાશે તેવી જાહેરાત મંગળવારે પાર્ટી દ્વારા કરાઇ હતી. આ માટેની તૈયારીઓ હવે પૂરી થવા આવી છે. આ કાર્યક્રમની તૈયારી માટે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુઘને જવાબદારી સોંપાઈ છે .

શપથ સમારોહમાં ખેડૂતો, સંતો મહંતો અને ખાસ કરીને દિલ્હીના ઝુંપડપટ્ટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે તેવું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદી ઉપરાંત એમના કેબિનેટ સાથીઓ, ભાજપના નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઑ હાજરી આપવાના છે .
આ ઉપરાંત બિઝનેસમેનો, ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર પણ સમારોહના સાક્ષી બનવાના છે . પાર્ટી સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સમારોહમાં ૧૨ થી ૧૬ હજાર લોકોની હાજરીની અપેક્ષા છે .