શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા વોકાલિગા સંતનો જાહેર અનુરોધ
કર્ણાટક ના રાજકારણમાં ઉથલપાથલ ના એંધાણ
મુખ્યમંત્રી સીધારમૈયાને ગાદી છોડવા અપીલ કરી: સતાની સાઠ મારી વચ્ચે બંને નેતા દિલ્હી પહોંચ્યા
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારરમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચેનો ગજગ્રાહ હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. બંને નેતાઓ દિલ્હી પહોંચ્યા હોવાને કારણે કર્ણાટકમાં રાજકીય નવાજૂની થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનવા માટે ઉત્સુક છે અને એક કરતાં વધારે વખત તેઓ જાહેરમાં એ ઈચ્છા પ્રગટ પણ કરી ચૂક્યા છે ત્યારે તેમની તરફદારી કરી એક વોકાલિગા સંતે સિદ્ધારમૈયા ને ખુરશી છોડી શિવકુમારને મુખ્યમંત્રી બનવા દેવા અનુરોધ કરતા કોંગ્રેસમાં અંદર જામી પડી છે.
બનાવવાની વિગતે એવી છે કે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં સીધ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને મંચ ઉપર ઉપસ્થિત હતા ત્યારે વિશ્વ વોકાલિગા મહા સમસ્ત મઠના સંત કુમાર ચંદ્રશેખરનાથન સ્વામીએ આ મુદ્દો ઉઠાવી વિવાદનો મધપુડો છેડી દીધો હતો. તેમણે કહ્યું કે બધા મુખ્યમંત્રી બની ચૂક્યા છે અને સતા ભોગવી ચુક્યા છે પરંતુ અમારા શિવકુમાર મુખ્યમંત્રી નથી બની શક્યા તો સિદ્ધારમૈયાને મારી વિનંતી છે કે તમે સત્તા છોડી દે અને શિવકુમારને મુખ્યમંત્રી બનાવી આશીર્વાદ આપે. તેમણે કહ્યું કે જો સિદ્ધારમૈયા ઈચ્છે તો જ આ વાત શક્ય છે અન્યથા શિવકુમાર ક્યારેય મુખ્યમંત્રી બની શકશે નહીં.
વોકાલિગા સંતની આ વિનંતી બાદ સીધ્ધારમૈયા એ કહ્યું કે આ લોકશાહી છે. કોંગ્રેસમાં મોવડી મંડળ છે અને એ મોવડી મંડળ જે નિર્ણય કરશે તે માન્ય રહેશે. ડીકે શિવ કુમારે કહ્યું કે સંતે પોતાની વાત કરી દીધી છે અને હું અને સીધ્ધારમૈયા દિલ્હી જઈ રહ્યા છીએ.બીજી તરફ સિદ્ધારમૈયા જૂથના ટોચના નેતાઓ અને મંત્રીઓએ મુખ્યમંત્રી બદલવાની વાતને અફવા ગણાવી સીદ્ધારમૈયા ને સમર્થન જાહેર કર્યું હતું. તો સામા પક્ષે ડીકે શિવકુમારના ટેકેદારોએ પણ તેમને મુખ્યમંત્રી બનાવવાની જાહેર માગણી શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ધારાસભાની ચૂંટણીમાં વિજય મળ્યા બાદ આ બંને નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે હરીફાઈ હતી. અંતે મોવડી મંડળે ડીકે શિવકુમારને મનાવી લીધા હતા. બંને નેતાઓ અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બને એવી ફોર્મ્યુલા હોવાની પણ જે તે સમયે ચર્ચા થઈ હતી.
શું આ સંત પોતાની ગાદી છોડશે? સીદ્ધારમૈયાના સમર્થક નો સવાલ
વોકાલિગા સંતે જાહેરમાં સીદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ છોડવાનો અનુરોધ કરતા ભારે વિવાદ થયો છે. મુખ્યમંત્રીના જૂથના મંત્રી કે એન રાજન્નાએ બાદમાં પ્રતિભાવ આપતા કહ્યું,” શું માત્ર એક સંત કહે એટલે કોઈ સતા છોડી દે? એ સ્વામીજી પોતે પોતાની ગાદી છોડશે? જો તેઓ ગાડી છોડવા તૈયાર હોય તો હું સ્વામી બનવા તૈયાર છું. તેમને પૂછો કે તેઓ ગાદી ત્યાગશે? સતા કદી કોઈ છોડતું નથી. મને ખબર નથી કે ક્યાં હેતુથી તેમણે આ વાત કરી હતી પણ લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે..”