પડ્યા ઉપર પાટુ !! હવે કેજરીવાલના કરોડો રૂપિયાના શીશ મહેલની તપાસ થશે, સીવીસીએ આપ્યો આદેશ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. પહેલા દિલ્હીમાં સત્તા ગઈ અને તેઓ પોતે પણ હારી ગયા અને હવે શીશ મહેલને લઈને મુશ્કેલીમાં મુકાઇ શકે છે. એમના 6 ફ્લેગશિપ રોડ ખાતેના બંગલાનું નિરીક્ષણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ૧૩ મી તારીખે આ આદેશ જારી કર્યો હતો. વડાપ્રધાને પણ પ્રચારમાં શીશ મહેલનો અનેકવાર ઉલ્લેખ કરીને લોકો સમક્ષ આપના ભ્રષ્ટાચારની વાત કરી હતી.
સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ બહાર આવ્યા બાદ તપાસનો આદેશ અપાયો છે . રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 40,000 ચોરસ યાર્ડ (8 એકર)માં ફેલાયેલા આ ભવ્ય હવેલીના નિર્માણમાં ઘણાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન (6, ફ્લેગ સ્ટાફ રોડ) ના નવીનીકરણ અને આંતરિક સુશોભન પર વધુ પડતા ખર્ચ અંગે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે ફરિયાદમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલે કરદાતાઓના કરોડો રૂપિયા તેમના નિવાસસ્થાન પર ખર્ચ્યા હતા. લક્ઝરી વસ્તુઓ પરનો આ ખર્ચ તાર્કિક મર્યાદાની બહાર છે અને ભ્રષ્ટાચારની ગંભીર શંકાને જન્મ આપે છે.’
અરવિંદ કેજરીવાલનો આ બંગલો, જેને વિપક્ષ દ્વારા શીશમહલ નામ આપવામાં આવ્યું છે, તે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. કરોડો રૂપિયાના આ બંગલાનું નવીનીકરણ પણ વિવાદમાં છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શીશમહલનો મુદ્દો ખૂબ ઊઠાવવામાં આવ્યો હતો, જેના કારણે કેજરીવાલને નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે ચૂંટણી પરિણામો પછી, સીવીસીએ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.