ઓપરેશન રેટ ! સિવિલ હોસ્પિટલમાં 40 ખૂંખાર આતંકી (ઉંદર) ઝડપાયા
સેન્ટ્રલ વેરહાઉસે સમય માંગતા અંતે સિવિલ સતાવાળાઓએ પાંજરા મૂકી ઉંદરડા પકડવાનું શરૂ કર્યું
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરડાઓ આતંક મચાવી રહ્યા છે ત્યારે ઉંદર પકડવા તેમજ પેસ્ટ કંટ્રોલની કામગીરી સંભાળનાર સેન્ટ્રલ વેર હાઉસ 1લી માર્ચ સુધી કામ કરી શકે તેમ ન હોવાનું જણાવતા અંતે સિવિલ સતાવાળાઓએ જાતે જ પાંજરા ગોઠવતા એક જ રાત્રી દરમિયાન સસલા જેવડી સાઈઝના 40 જેટલા ઉંદરો પાંજરે પુરાયા હતા. જો કે, દર્દીઓના હિતમાં સિવિલ સતાવાળાઓએ ઉંદર પકડવાનું શરૂ કરતા જ જીવદયાપ્રેમીઓ ધોકો પછાડી ક્રુઆલિટી બંધ કરવા કાનૂની કાર્યવાહીની ચીમકી સાથે નોટિસ ફટકારતા સિવિલ સત્તાવાળાઓ મૂંઝવણમાં મુકાયા હતા.

રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા અને જુના તમામ વિભાગમાં મસમોટી સાઈઝના ઉંદરડાઓ તરખાટ મચાવી રહ્યા છે અને અગાઉ અનેક દર્દીઓને ઉંદરે બચકા ભરી લેવાની સાથે એસીના ડક તેમજ અન્ય ભાગોમાં નુકશાન કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ રોકવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સરકારની સૂચના મુજબ સેન્ટ્રલ વેર હાઉસને ઉંદર પકડવાની તેમજ પેસ્ટ કંટ્રોલની કામગીરી કરવા કોન્ટ્રાકટ આપ્યો છે. જો કે, કોન્ટ્રાકટ આપવા છતાં સેન્ટ્રલ વેર હાઉસે આગામી 1લી માર્ચ સુધી કામગીરી કરવા અંગે અસમર્થતા દાખવી છે.
બીજી તરફ ઉંદરનો આતંક ખતમ કરવા સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક 30થી વધુ પાંજરા ખરીદી કરી પિંજરામાં ભાખરી મૂકી ઉંદર પકડવા કાર્યવાહી કરતા એક જ રાત્રિમાં એક એક પિંજરામાં એકથી વધુ સસલા જેવડા મોટી સાઈઝના ઉંદર પકડાઈ જતા સિવિલ સતાવાળાઓએ થોડી રાહત અનુભવી પાંજરે પુરાયેલા આતંકવાદીઓને અન્યત્ર દૂર છોડી મુકવા ટીમોને દોડાવી ફરી પાંજરા ગોઠવી દીધા છે.
ઉંદર પકડવાનું શરૂ કરતા જ જીવદયા પ્રેમીઓએ ધોકા પછાડયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ઉંદરો આતંક મચાવી ઓક્સિજન પાઇપ, એસીના ડક તેમજ ભૂગર્ભ ગટરને ખોતરી નાખતા અગાઉ ઉંદર પકડવા ગમ બોર્ડ મુકવામાં આવ્યા હતા પરંતુ જીવદયા પ્રેમીઓએ સિવિલ હોસ્પિટલની કાર્યવાહી સામે નોટિસ ફટકારી હતી,બીજીતરફ હવે ઉંદરનો ત્રાસ નિવારવા માટે પાંજરા ગોઠવવામાં આવતા 40 ઉંદરો પકડાઈ જવાની સાથે જ ફરી જીવદયા પ્રેમી સંસ્થાએ ધોકો પછાડી નોટિસ ફટકારતા સિવિલ સતવાળાઓ દ્વારા ઉંદર પકડવાથી છોડવા સુધીની કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરી ઉંદરો ઉપર કોઈ અત્યાચાર ન કરાયો હોવાના પુરાવા પણ રાખવામાં આવી રહ્યા છે.
એક વર્ષ સુધી ઉંદર ન ફરકે તેવી ગેરંટી સાથે કામ કરશે વેરહાઉસ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ કાયમી ધોરણે નિવારવા માટે સરકારની સૂચના બાદ સેન્ટ્રલ વેર હાઉસને હાલમાં પેસ્ટ કંટ્રોલ અને ઉંદર પકડવાની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વેર હાઉસ સિસ્ટમેટિક કામગીરી કરી ઉંદરો સિવિલમાં ફરકે જ નહીં તેવી દવાનો છંટકાવ કરી એક વર્ષ સુધી ઉંદર ન આવે તેવી ગેરંટી સાથે કામ કરી આપનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.