ઇંગ્લેન્ડનું રાજ’કોટ : ટી-20 મુકાબલામાં ટીમ ઈન્ડિયાનો ૨૬ રને પરાજય: હાર્દિક સિવાય તમામ બેટરો નિષ્ફળ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની જીતનો સિલસિલો રાજકોટમાં અટકી ગયો હતો. ત્રીજી ટી-૨૦માં ભારતનો ૨૬ રને પરાજય થતાં ઈંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં હજુ પણ જીવંત છે. ઈંગ્લેન્ડે આ મેચમાં પહેલાં બેટિંગ કરતા નવ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારત ૯ વિકેટે ૧૪૫ રન જ બનાવી શકતા ૨૬ રને તેનો પરાજય થયો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરો અહીંના ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા પરંતુ વિકેટનો ઢગલો જોવા મળ્યો હતો.
ભારતે પાંચ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા જીત્યા હોવાથી એવી અપેક્ષા હતી કે રાજકોટ ટી-૨૦ મુકાબલો જીતીને ભારત શ્રેણીમાં ૩-૦ની અજેય લીડ મેળવી લેશે પરંતુ એવું બન્યું ન્હોતું. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમે ઝડપી શરૂઆત કરતા ૯ ઓવરમાં એક વિકેટે ૮૩ રન બનાવ્યા હતા. ભારતે ઈંગ્લેન્ડના ૮૩ રનના સ્કોરે બટલરની વિકેટ ખેડવી હતી. આ પછી ૧૨૮ રન સુધી પહોંચતાં પહોંચતાં ઈંગ્લેન્ડના ૮ બેટર પેવેલિયન પહોંચી ગયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે ૪૫ રનના અંતરાલમાં સાત વિકેટ ગુમાવી હતી. આ સમયે લિયામ લિવિંગસ્ટને ૨૪ બોલમાં ૪૩ રન ઝૂડી નાખતાં ઈંગ્લેન્ડ ૯ વિકેટે ૧૭૧ રન બનાવવામાં સફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડ વતી બેન ડકેટ (૨૮ બોલમાં ૫૧ રન)એ પણ શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. ભારત વતી વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ખેડવી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજુ સેમસન ત્રણ રન બનાવી આઉટ થયો હતો. બીજો ઓપનર અભિષેક શર્મા (૨૪ રન) પણ પોતાની ઈનિંગ લાંબી ખેંચી શક્યો ન્હોતો. માત્ર ૩૧ રને બે વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ૧૪ અને તીલક વર્મા ૧૮ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. દબાણ હેઠળ હાર્દિક પંડ્યા (૩૫ બોલમાં ૪૦ રન)એ ઈનિંગ સંભાળી પરંતુ તે રનરેટ જાળવી શક્યો ન્હોતો. વોશિંગ્ટન સુંદર (૬ રન), અક્ષર પટેલ (૧૫), ધ્રુવ જુરેલ (બે રન)એ પણ નિરાશ કર્યા હતા.