ગેરકાયદે વસાહતીઓને પકડવા ગુરુદ્વારાઓ પર પોલીસના દરોડા
અમેરિકામાં વસતા ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરવાની ટ્રમ્પ વહીવટી તંત્રની ઝુંબેશના ભાગરૂપે રવિવારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ના જવાનોએ ન્યૂયોર્ક અને ન્યુ જર્સીના શીખ ગુરુદ્વારાઓમાં ગેરકાયદે વસાહતીઓને પકડવા માટે તપાસ કરી હતી. આ પગલાના શીખ સમુદાયમાં ઘેરા પડઘાં પડ્યા છે.
હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ગેરકાયદે વસાહતીઓને ઝડપવાની કાર્યવાહી પુર જોશમાં ચાલુ છે. એ દરમિયાન રવિવારે શીખ ગુરુદ્વારાઓમાં પણ પોલીસ ટુકડીઓએ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે બાઇડેન તંત્રના શાસનકાળમાં સંવેદનશીલ વિસ્તારો અને ચર્ચ તેમજ ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળો પર આવી કાર્યવાહી કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પે એ પ્રતિબંધ દૂર કરી દીધો છે.
હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તાએ કહ્યું કે ધરપકડ ટાળવા માટે હવે ગુનેગારો અમેરિકાની શાળાઓ કે ચર્ચમાં છુપાઈ નહીં શકે. એ અગાઉ ઉપરાષ્ટ્રપતિ જેડી
વાન્સએ પણ ધાર્મિક સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીની સંભાવના હોવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે ગુનેગારો કાયદેસરના નાગરિક હોય કે ગેરકાયદે વસાહતી હોય, તેમને બહાર કાઢી ને જાહેર સલામતીની રક્ષા કરવાની
જાહેરાત કરી હતી.
જો કે રવિવારે ગુરુદ્વારાઓ પર થયેલી તપાસનો શીખ સમુદાયે વિરોધ કર્યો હતો. શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ નામની સંસ્થાએ સંવેદનશીલ વિસ્તારો અને ગુરુદ્વારા જેવા પૂજાના સ્થળો પરની કાર્યવાહીનો પ્રતિબંધ દૂર કરવાના ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા કરી હતી. સંસ્થાના પ્રવક્તાએ આવા પગલાંને કારણે શીખ ધર્મની પવિત્રતા જોખમમાં મુકાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસની આવી કાર્યવાહીને કારણે ગુરુદ્વારાઓમાં આવતા ભાવિકોની સંખ્યામાં ઘટાડો થવાનો અને તેને કારણે યોગ્ય રીતે ધાર્મિક વિધિઓ કરવામાં અડચણ સર્જાવાનો ભય તેમણે વ્યક્ત કર્યો હતો.