૨૦૦માંથી ૧૯૫ દુકાનદાર-શિક્ષક-વિદ્યાર્થીએ કહ્યું, KKV બ્રિજ નીચે ગેઈમઝોન ન બનાવો
કોંગ્રેસે શરૂ કર્યું આંદોલન: અહીં ગેઈમ ઝોન બનશે તો અકસ્માતનો પાર નહીં રહે તેવું મહત્તમ લોકોનું માનવું
મહાપાલિકા દ્વારા કેકેવી બ્રિજની નીચે ગેઈમ ઝોન બનાવાઈ રહ્યો છે જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ ગેઈમ ઝોનના વિરોધમાં આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જ્યાં ગેઈમ ઝોન બનવાનો છે તે વિસ્તારના ૨૦૦ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૯૫ દુકાનદાર, શિક્ષક, વિદ્યાર્થીએ એવો અભિપ્રાય આપ્યો હતો કે કેવી બ્રિજ નીચે ગેઈમ ઝોન બનવાથી અકસ્માત સહિતની દૂર્ઘટનાઓનો પાર નહીં રહે !
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારથી જ લોકોના, વેપારીઓના, વિદ્યાર્થીઓ સહિતના કે જેઓ નિયમિત કેકેવી બ્રિજ પાસેથી અવર-જવર કરે છે તેમના અભિપ્રાય લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમાંથી ૯૮% લોકોએ કહ્યું હતું કે બ્રિજ નીચે ગેઈમ ઝોન બનાવવાથી ટ્રાફિકની સમસ્યા, અકસ્માત સહિતમાં વધારો થશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી લોકોના, વેપારીઓના તેમજ આસપાસના રહેવાસીઓના અભિપ્રાય મેળવીને આ પ્રોજેક્ટને રદ્દ કરવો જોઈએ.
કોંગ્રેસ દ્વારા એક હેલ્પલાઈન નંબર ૮૩૨૦૪ ૧૩૪૪૮ જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર પણ અભિપ્રાય મોકલવા અપીલ કરવામાં આવી છે. હવે તા.૨૯ના સવારે ઉપરોક્ત સ્થળે ધરણા કરવામાં આવશે. આ આંદોલનની આગેવાની શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડૉ.હેમાંગ વસાવડા, નરેન્દ્રભાઈ સોલંકી સહિતના કરી રહ્યા છે.
ગેઈમ ઝોન નહીં સ્થળ સામે વિરોધ છે: રાજાણી
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા ગેઈમ ઝોન બનાવાઈ રહ્યો છે તેના સામે અમારો કોઈ જ વિરોધ નથી પરંતુ ગેઈમ ઝોન માટે જે સ્થળની પસંદગી કરવામાં આવી છે તે ખોટી છે. મહાપાલિકા દ્વારા કેકેવી બ્રિજ નીચે ગેઈમ ઝોન બનાવવાની જગ્યાએ અન્ય સ્થળે બનાવવો જોઈએ જેથી રમત-ગમતને પ્રોત્સાહન આપવાનો તેનો હેતુ સાર્થક થઈ શકશે.