લોધીકામાં માખાવડમાં જીઆઇડીસી માટે મંજુર થયેલ 21 હેકટર જમીનમાં દબાણ
100 કરોડની જમીન ઉપર છ મહિનામાં બીજી વખત ડિમોલિશન
સાથણીમા મળેલી જમીન વેચી નાખ્યા બાદ સ્થાનિકોએ 21 એકરમાં સરકારી જમીનમાં ફેન્સીંગ કરી લીધી
રાજકોટ : લોધીકા તાલુકાના માખાવડ ગામે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને ફાળવવામાં આવેલ કુલ 21 હેકટર જમીન પૈકી રૂપિયા 100 કરોડની 21 એકર જમીન ઉપર છ મહિનામાં બીજી વખત દબાણ ઉભા થઇ જતા રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી અને લોધીકા મામલતદાર દ્વારા ગુરુવારે વહેલી સવારે જ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 100 કરોડની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા તાલુકાના માખાવડ ગામે રેવન્યુ સર્વે નંબર 70ની સરકારી ખરાબાની 21 હેકટર એટલે કે, 52.5 એકર જમીન જીઆઇડીસીને ફાળવવામાં આવી હતી જેમાં સરકારી માલિકીની અંદાજે 21 એકર જમીન ઉપર ખેતી વિષયક દબાણ ઉભા કરી દબાણકારોએ વૃક્ષો વાવી ફેન્સીંગ કરી લીધી હોવાથી જીઆઇડીસીની જમીન સોંપણીમાં વિલંબ થઇ રહ્યો હતો. બીજી તરફ જિલ્લા કલેકટરની સૂચના બાદ અગાઉ દબાણ દૂર કરવા પ્રયાસ કરવામાં આવતા માથાકૂટ થતા દબાણ હટાવ કામગીરી મુલતવી રહ્યા બાદ ગુરુવારે વહેલી સવારે રાજકોટ રૂરલ પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી અને લોધીકા મામલતદાર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરી દબાણ ખુલ્લી કરાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,લોધીકા મામલતદાર દ્વારા માખાવડમાં આ જ સ્થળે છ મહિના અગાઉ પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું તેમ છતાં દબાણકારોએ ફરી એક વખત દબાણ કરી લેતા વહેલી સવારે જ ઓપરેશન કરી અંદાજે 100 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે, દબાણ કરનારા અસામીઓને અગાઉ સાથણીમા જમીન ફાળવવામાં આવી હતી અને સાંથણીમા આપેલ જમીન વેચી નાખવામાં આવ્યા બાદ આ જમીન જ તેમને ફાળવવામાં આવી હોવાનો દાવો કરી દબાણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.