મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવ્યો
- સમય કરતાં આગળનું વિચારી ‘યહી સમય હૈ ’ ને પાટીદાર સમાજે વિકાસની હરણફાળથી સાકાર કર્યુ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી આયોજનો સાથે વિકાસની હરણફાળ ભરી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાં સમયથી આગળનું વિચારતા વિઝનરી નેતા છે. તેમણે અનેક નવતર પહેલથી દેશનું નામ દુનિયાભરમાં ઊજાળ્યું છે અને તેઓ ભારત માટે કહે છે, “યહી સમય હૈ, સહી સમય હૈ.” તે વાતને પાટીદાર સમાજે બરાબર સાર્થક કરી છે.
તા.૯ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન આ વર્ષ-૨૦૨૫ની સમિટ અને અંદાજે ૧ લાખ સ્ક્વેર મીટરમાં વિસ્તરેલા વિશાળ એક્ઝિબિશનનો પ્રારંભ, કેન્દ્રિય શ્રમ-રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોમાં બધા જ સમાજોની સહભાગિતાની પ્રશંસા કરતાં કહ્યું કે, સરદાર સાહેબનો “એકતાના બળે પ્રગતિ”નો વિચાર અહીં “સૌના સાથ સૌના વિકાસ”ના પ્રધાનમંત્રીશ્રીના મંત્ર સાથે સાકાર થયો છે.
કેન્દ્રીય રમત ગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની વિશેષતા વર્ણવતા કહ્યું કે, આપણે એ સમાજ છીએ જેનો ખેડૂત ખેતરમાં સખત મહેનત કરીને શ્રદ્ધા સાથે કુદરતના ભરોસે જીવે છે. મહેનત, પુરુષાર્થ અને સાહસનો સ્વભાવ હોવાથી, ગામડાંથી શહેર, અને શહેરથી દેશ-વિદેશ સુધી પટેલ સમાજ ફેલાયેલો છે.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી. આર. પાટીલે GPBS- ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2025ને વીડિયો સંદેશ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ, દેશ -વિદેશના પાટીદારોને સાથે રાખીને સરદાર ધામના માધ્યમથી રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાના પ્રયત્ન માટે સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન આપીને, શુભેચ્છા પાઠવી હતી.