રવિન્દ્ર જાડેજાના કરિયરના અંતનું કાઉન્ટડાઉન શરૂ…!
- વન-ડે અને ટેસ્ટ બન્નેમાંથી મુકાઈ શકે છે પડતો
ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ હવે તમામ ફોર્મેટમાંથી બહાર કરવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ પાછલા થોડા સમયથી જાડેજાના પ્રદર્શનને કારણે નાખૂશ છે. ૨૦૨૭ વન-ડે વર્લ્ડકપ પહેલાં મજબૂત ટીમ તૈયાર કરવા માટેની તૈયારી ચાલી રહી છે જેમાં રવિન્દ્ર જાડેજા ફિટ બેસતો નથી. જાડેજા હવે માત્ર ટેસ્ટ અને વન-ડે જ રમે છે જ્યારે ટી-૨૦માંથી તેણે ૨૦૨૪માં જ નિવૃત્તિ લઈ લીધી હતી. તેણે અંતિમ વન-ડે વર્લ્ડકપ-૨૦૨૩ના ફાઈનલમાં રમી હતી.
જાડેજા નીચલા ક્રમે એક ઑલરાઉન્ડર તરીકે ફિટ બેસી રહ્યો નથી જેની ભારતીય ટીમને છેલ્લા ઘણા સમયથી ખોટ સાલી રહી છે. બેટથી તે વન-ડેમાં ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તાજેતરમાં જ તેના સ્ટ્રાઈક રોટેશન અને દબાણને ઓછી કરવાની ક્ષમતા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. તેનો વિકલ્પ ગણાતો અક્ષર પટેલ બેટ અને બોલ એમ બન્નેથી પ્રદર્શન કરી રહ્યો છે.
શ્રીલંકા પ્રવાસે ગૌતમ ગંભીરના કોચિંગ કરિયરની શરૂઆત થઈ હતી તો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને ટી-૨૦ વર્લ્ડકપના તુરંત બાદ ટીમમાં સામેલ કરાયા હતા પરંતુ જાડેજા તેમાં ન્હોતો.