પડધરીના રૂપાવટીમાં ટુરિઝમ અને ફૂડ પ્રોસેસિંગ માટે 100 એકર જમીનની માંગણી
બે ખાનગી પાર્ટીએ રૂપાવટી નજીક ડૂબમાં ગયેલી જમીન માંગણી કરતા સ્થળ ઉપર ખેડુતોનુ દબાણ સામે આવ્યું
હાલમાં ગુજરાત સરકાર ફળઝાડના હેતુ, સાથણી કે અન્ય હેતુ માટે એકન ઈંચ પણ જમીન ફાળવણી કરતી નથી ત્યારે પડધરી તાલુકાના રૂપાવટી ગામે એલએલપી કંપનીના નામે બે અરજદારોએ 100 એકર જમીન વૈદિક ફાર્મ અને ટુરિઝમ પ્રોજેક્ટ અને એગ્રો એન્ડ ફૂ પ્રોસેસિંગ માટે માંગણી કરી જમીનની માપણી પણ કરાવી લેવામાં આવી છે. જો કે આ જમીન ડૂબમાં આવતી હોવાથી વર્ષોથી ખેડૂતો પોતાની ભરતી ભેણીની જમીનમાં વાવેતર કરતા હોય એલએલપી કંપનીને જમીન ફાળવણીમાં અંતરાય આવતા આવા ત્રણ ખેડૂતો સામે મામલતદાર દ્વારા દબાણ કેસ ચલાવી દંડ ફટકારવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના રૂપાવટી ગામના સરકારી ખરાબાની સર્વે નંબર 100 જુના સર્વે નંબર 134 પૈકી /1ની 100 એકર જેટલી જમીન મધુવન વૈદિક હાઇડઅવે અને મધુવન ફાર્મ ટુ કિચન એલએલપી નામની કંપનીના ભાગીદાર દર્શનાબેન મનસુખલાલ પોપટ અને સંજય મોરઝરિયાએ ટુરિઝમ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે 100 એકર જેટલી જમીનની માંગણી કરવામાં આવતા જેટ ગતિએ રાજકોટ ડીએલઆઇઆર દ્વારા ફટાફટ માપણી પણ કરી દેવામાં આવી હતી. જો કે, ખાનગી એલએલપી કંપનીએ રૂપાવટી ગામમાં માંગેલ જમીનમાં કેટલાક ખેડૂતોનું દબાણ હોવાનું સામે આવતા મામલતદાર પડધરી દ્વારા દબાણ કેસ કરવામાં આવ્યા હતા.
વધુમાં પડધરી મામલતદાર દ્વારા રૂપાવટી ગામે વૈદિક ફાર્મ અને ટુરિઝમ પ્રોજેક્ટ અને એગ્રો એન્ડ ફૂ પ્રોસેસિંગ માટે મધુવન એલએલપી કંપનીની 100 એકર જમીનની માંગણી સામે ખેડૂતોના દબાણ ઉભા હોય જેમાં મહેન્દ્રસિંહ ધીરૂભા જાડેજાનું એક એકર જમીનમાં, ટેમુભા ધીરૂભા જાડેજાનું 4 એકરમાં અને મહાવીરસિંહ ધીરૂભા જાડેજાનું એક એકરમાં દબાણ હોવાથી ત્રણેય અસામીઓને નોટિસ આપી કેસ ચલાવતા આ ખેડૂતોએ પોતાની વારસાઈ જમીન ડૂબમાં ગઈ હોવાથી ખેતરને લાગુ જમીનમાં વાવેતર કરતા હોવાનું જણાવતા મામલતદારે ત્રેણય ખેડૂતોને અનુક્રમે 1376, 1376 અને 5504 રૂપિયા દંડ ફટકારી જમીન ખુલ્લી કરવા આદેશ કર્યો હતો.જો કે, મહત્વની બાબત એ છે કે, રૂપાવટીમાં ડૂબમાં જતી જમીનમાં જ ખાનગી કંપનીએ કેમ આટલી વિશાળ જમીનની માંગણી કરી ? ઉપરાંત ખેડૂતોની અરજીની વર્ષો સુધી માપણી ન કરી આપતા ડીઆઇએલઆરએ કેમ અચાનક જ ઝડપભેર અહીં માપણી કરી આપી સહિતના સવાલો ઉઠી રહ્યા છે.