રાજકોટ-કાનાલુસ ડબલ લાઈન પ્રોજેક્ટમાં 112 ખેડૂતો અપીલમાં
કુલ 225 ખેડૂતોની જમીન કપાતમાં જાય છે : અત્યાર સુધીમાં 8 કરોડનું વળતર ચુકવાયું
રાજકોટ : રાજકોટ -કાનાલુસ ડબલ લાઈન રેલવે પ્રોજેક્ટ પુરજોશમાં ગતિમાન છે ત્યારે ડબલ રેલવે લાઈન પ્રોજેક્ટમાં કુલ 225 ખેડૂતોની જમીન કપાતમાં આવતી હોય 112 જેટલા ખેડૂતો જમીન સંપાદનમાં વળતરને લઈને અપીલમાં ગયા છે અને બાકીના ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 8 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ -કાનાલુસ રેલવે લાઇનને ડબલ ટ્રેકમાં રૂપાંતરિત કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરાવમાં આવ્યો છે જેમાં હાલમાં ખંઢેરી ગામ સુધી ડબલ રેલવે લાઈન નાખી દેવામાં આવી છે અને કાનાલુસ સુધીમાં કામગીરી પ્રગતિમાં છે ત્યારે આ રેલવે પ્રોજેક્ટમાં રાજકોટ જિલ્લામાં 225 જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં આવતી હોય ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા ડબલ લાઈન રેલવે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8 કરોડ જેટલું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. જો કે, જમીન સંપાદનના વળતરમાં અસંતોષને લઈને 112 જેટલા ખેડૂતો અપીલમાં ગયા છે જેમના કેસ સુપ્રિન્ટેન્ડેન્ટન ઓફ સ્ટેમ્પ ગાંધીનગર ખાતે ચાલશે.
દરમિયાન તાજેતરમાં જમીન સંપાદન અધિકારી દ્વારા સુનિલ પ્રાણલાલ ખારા, પરાપીપળીયાના દેવાયત મેણાંદભાઈ, જીત જેન્તીલાલ શાપરીયા, ખંઢેરીના નરસંગ અરજણ ડાંગરને અનુક્રમે કુલ મળી 1.07 કરોડનું વળતર ચૂકવાઈ ગયું છે. જયારે પરબત ટપુભાઈ મેર નામના આસામીનું 45,60,679 રૂપિયા વળતર મંજુર થયું છે પરંતુ તેઓ વળતર લેવા આવ્યા ન હતા. હાલમાં કુલ 225 ખેડૂતોની જમીન કપાતમાં જવા મામલે કુલ 8 કરોડ જેટલું વળતર ચૂકવાઈ ગયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
