રાજકોટ સહિત ચારેય ઝોનના ડી.ઇ.ઓ.ને શિક્ષણમંત્રીનું તેડુ: સમીક્ષા બેઠક
સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી બોર્ડની પરીક્ષા,એફ.આર.સી.મુદ્દે કરી ચર્ચા
રાજકોટ સહિત 4 ઝોનના જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષણ મંત્રી નું તેડું આવતા સોમવારે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર તેમજ અન્ય અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગુજરાતની ઉપરાંત આગામી ફેબ્રુઆરી મહિનામાં આવી રહેલી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા, એફઆરસીની નીતિ સહિતના મુદ્દાઓને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને પ્રફુલ પાનસેરીયાએ રાજકોટ,અમદાવાદ,વડોદરા અને સુરતના જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
આ વર્ષે બોર્ડની પરીક્ષા 15 દિવસ વહેલાસર લેવામાં આવનાર છે ત્યારે તમામ જિલ્લાઓમાં પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંતર્ગત તમામ જિલ્લાઓમાંથી બિલ્ડીંગ અને બ્લોકની સંખ્યાનો ડેટા એકત્ર કરી દેવાયો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી મિટિંગમાં શિક્ષણ મંત્રી દ્વારા ચાર ઝોન ડી.ઇ.ઓ.ને શુભેચ્છા આપવાની સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાળા સંચાલકો દ્વારા થોડા સમય પહેલા એફ.આર.સી નીતિ અને નિયમો સામે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તે અંગે પણ આ મિટિંગમાં ચર્ચાઓ થઈ હતી.