સ્કૂલના વોશરૂમમાં કેમેરા ગોઠવી ડાયરેક્ટર ‘ડોકિયાં’ કરતા હતા
નોઇડાનો આંખ ઉઘાડનારો શરમજનક કિસ્સો
‘વોશરૂમ લાઈવ ‘નિહાળવાનો શોખ ધરાવતા હતા
ઉત્તર પ્રદેશના નોઈડા ની એક સ્કૂલના વોશરૂમમાં જાસુસી કેમેરા લગાવીને વોશરૂમ ની અંદર થતી ગતિવિધિ લાઈવ નિહાળવાના આરોપસર પોલીસેએ સ્કૂલના લંપટ ડાયરેકટરની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ નોઈડા ના સેક્ટર 70 માં આવેલી ‘ લર્ન એન્ડ ફન ‘ નામની સ્કૂલમાં એક શિક્ષિકા વોશરૂમમાં ગયા ત્યારે બલ્બના હોલ્ડરમાં સ્પાઇ કેમેરો નજરે પડતા ચોંકી ગયા હતા. તેમણે તુર્ત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવી આ અંગે જાણ કરી હતી. વોશરૂમમાં કેમેરો નિહાળી સિક્યુરિટી ગાર્ડ પણ અચંબિત થઈ ગયો હતો. બાદમાં શિક્ષિકાએ આ અંગે શાળાના ડાયરેક્ટર નમનિષ સહાય અને સ્કૂલના કોઓર્ડીનેટર પારુલને જાણ કરી હતી પરંતુ એ બંનેએ શિક્ષિકા ના આક્ષેપને નકારી કાઢ્યા હતા. જોકે વિફરેલી શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલાની ગંભીરતા પારખી ખુદ ડેપ્યુટી પોલીસ કમિશનરે તપાસમાં ઝુકાવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન શિક્ષિકાની ફરિયાદ સાચી હોવાના પૂરતા પુરાવા મળ્યા હતા. વોશરૂમમાં ગોઠવેલા સ્પાઈ કેમેરા દ્વારા ડાયરેક્ટર પોતાના કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન ઉપર અંદરના દ્રશ્યો લાઈવ નિહાળી શકતા હોવાનું ખુલ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.