રાજકોટના ધરતી પુત્રનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન
પ્રખર ગૌસેવક અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિના સર્જક ભરતભાઈ પરસાણા સ્ટાર ફાર્મર સ્પીકર એવોર્ડથી સન્માનિત
ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ (ICAR ) દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સોમારોહમાં રાજકોટના નામાંકિત ઉદ્યોગગૃહ પરસાણા ફાઉન્ડ્રી પરિવારના સભ્ય, પ્રખર ગૌભક્ત અને પ્રાકૃતિક – સજીવ ખેતી ક્ષેત્રે અભૂતપૂર્વ જનજાગૃતિ અને ક્રાંતિ સર્જનારા સેવાના સારથી એવા ધરતીપુત્ર ભરતભાઈ ભુરાભાઈ પરસાણાને તાજેતરમાં સ્ટાર ફાર્મર સ્પીકરના પ્રતિષ્ઠાભર્યા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારા તેમજ અને ઉત્પાદન વૃદ્ધિ તથા ખર્ચ ઘટાડા અંગે મહત્વના સંશોધનો કરનાર ખેડૂતોને આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ માટે દેશભરના 22,000 ખેડૂતોના નોમિનેશન આવ્યા હતા તેમાંથી વિવિધ કેટેગરીમાં 1000 ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં ભરતભાઈ પરસાણાએ સરળ ગ્રામ્ય ભાષામાં હૃદયસ્પર્શી ઉદબોદન કરી બધાના દિલ જીતી લીધા હતા. તેમાં તેમણે પોતાની ગૌરવભભરી પારિવારિક વિરાસત, કૃષિ ઉત્પાદન ક્ષેત્રે તેમણે કરેલા સફળ પ્રયોગો, તથા પ્રાકૃતિક ખેતી ના મહત્વ વિશે સચોટ માહિતી આપી હતી. તેમનું એ પ્રવચન દેશ-વિદેશમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાખો લોકોએ નિહાળ્યું હતું.
ભરતભાઈ પરસાણાનો પરિવાર વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ધરાવે છે. લક્ષ્મી દેવીની અપાર કૃપા હોવા છતાં નમ્રતાપૂર્ણ સાદગીભરી જીવન શૈલી ધરાવતા ભરતભાઈએ વિશ્વના અનેક દેશોની મુલાકાત લઇ જ્ઞાનનું ભાથુ સમૃદ્ધ કર્યું છે.તેઓ વેદ, ઉપનિષદ,ગીતા અને પુરાણોના જ્ઞાતા છે અને તેના મૂળભૂત સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા છે. તેઓ કહે છે કે ગાય આપણી માતા છે અને આપણે ધરતીને પણ માતા કહીએ છીએ. પણ એ બે માતાના જતનમાં અત્યારે સમાજ ઉણો સાબિત થઈ રહ્યો છે. ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે ધરતી માતાની ફળદ્રુપતા ઘટી ગઈ છે.ગૌ સંવર્ધન પ્રત્યેની ઉપેક્ષા ને કારણે શુદ્ધ ઓલાદો ઘસાતી જાય છે. તેમણે કહ્યું કે માનવી પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યો છે અને એ પરિબળ જ વિવિધ બીમારીઓ અને સમસ્યાનું મૂળ છે. એક ઉદાહરણ આપતા તેઓ કહે છે કે એક સમયે રસોડામાં રોટલા બનતા હોય તો આખા ઘરમાં બાજરાની મીઠી સોડમ પ્રસરી જતી. આજે એ સોડમ વિલાઈ ગઈ છે. તેને પરત લાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે.ભરતભાઈએ તેમનું આખું જીવન ગૌ સેવા,માનવ સેવા અને સજીવ ખેતીના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કરી દીધું છે. રાજકોટમાં તેમના 70 વીઘાના ફાર્મને કૃષિ ક્ષેત્રની લેબોરેટરી માનવામાં આવે છે. કૃષિ પાક વૈવિઘ્ય અને ઉત્પાદન વૃદ્ધિ માટે તેમણે કરેલા પ્રયોગોને નિહાળવા દેશ-વિદેશમાંથી કૃષિ તજજ્ઞો તેમના ફાર્મ હાઉસની મુલાકાતો લઈ ચૂક્યા છે. ગૌ સેવા અને કૃષિ ક્રાંતિ માટે તેમણે આપેલા અમૂલ્ય પ્રદાન બદલ નરેન્દ્ર ભાઈ મોદીએ, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું સન્માન કર્યું હતું.
‘માનવસેવા ગૌસેવા અને પ્રકૃતિ સેવા એ જ પરમધર્મ’ નું સૂત્ર આત્મસાત કર્યું
ભરતભાઈએ જળસંચય, વૃક્ષારોપણ, ગૌસંવર્ધન અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપ્યું છે. પ્રાકૃતિક ખેતી અને ગૌ વંશની શુદ્ધ નસલના જતન માટે તેમણે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોનો વ્યાપક પ્રવાસ કર્યો હતો.
આર્થિક રીતે જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓને આર્થિક સહાય તથા માર્ગદર્શન આપી અનેક પરિવારોને પગભર અને સમૃદ્ધ કરવામાં તેમનું પ્રદાન રહ્યું છે. સ્વખર્ચે ફળાઉ વૃક્ષોના છોડ વિતરણ દ્વારા ખેડૂતોને વધારાની આવક ઊભી કરવાની તેમની ઝુંબેશનો સૌરાષ્ટ્રમાં હજારો ખેડૂતોએ લાભ લીધો છે.
વીસ રૂપિયાના ખર્ચમાં 50 ટકા ફાયદો, પરિણામ ન મળે તો એક કરોડનું ઇનામ!
ભરતભાઈએ તેમના જીવનમાં ક્યારેય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કર્યો અને છતાં તેમની વાડી વિવિધ કૃષિ ઉત્પાદનોથી હરિભરી અને છલકાતી રહે છે. તેમણે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના ઉપયોગ વગર જ ઉત્પાદન વૃદ્ધિ માટે 250 ગ્રામ ગાયનું દૂધ,250 ગ્રામ ગૌમુત્ર, 250 ગ્રામ ગોબરનું પાણી અને 100 ગ્રામ દેશી ગોળના મિશ્રણનો સરળ પ્રયોગ આપ્યો છે. આ મિશ્રણ તૈયાર કરવામાં માત્ર 20 રૂપિયાનો ખર્ચ થાય છે. તેનાથી ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થવાની અને ખર્ચમાં ૨૫ ટકાનો ઘટાડો થવાની તેઓએ ગેરંટી આપી છે. આ પ્રયોગ કરનાર કોઈ ખેડૂતને ધાર્યું પરિણામ ન મળે અને પ્રયોગને ખોટો સાબિત કરે તો એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની તેમણે જાહેરાત કરી છે. દિલ્હી ખાતે એવોર્ડ વિતરણ સમારોહમાં તેમણે આ જાહેરાત દોહરાવી ત્યારે ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.