- પતિએ નાની-નાની વાતમાં મારકૂટ કરતાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો : તાલુકા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી
રાજકોટમાં બિગ બજાર પાછળ ગુલાબ વિહાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને કેનેડા રહેતા સાસરિયાઓ દહેજની માંગણી કરી ત્રાસ આપી મારકૂટ કરતાં હતા.જેથી તેણીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.બાદમાં પણ સાસરિયાઓ તેડવા ન આવતા અંતે ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ હાલ રાજકોટમાં બિગ બજાર પાછળ ગુલાબ વિહાર સોસાયટી શેરી નંબર-૧ માં છેલ્લા એક માસથી માવતરના ઘરે રહેતી રિધ્ધીબેન (ઉ.વ ૩૧) નામની પરિણીતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેનેડામાં રહેતા પતિ નીલ કિશોરભાઈ મિસ્ત્રી તથા વડોદરામાં રહેતા સસરા કિશોરભાઈ અને સાસુ રંજનબેનનું નામ આપતા જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તારીખ ૯-૩-૨૦૨૩ ના વડોદરામાં રહેતા નીલ સાથે થયા હતા. લગ્ન ના બીજા દિવસથી જ પતિએ નાની નાની વાતોમાં ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું સાસુ-સસરા કહેતા હતા કે, તારા માતા-પિતાને કહે અમને કેનેડામાં ઘર લઈ દે તેમજ કહેતા કે તારા બાપે દહેજમાં કઈ આપ્યું નથી જેથી તેને કહે ગાડી લઇ દે આમ દેહજ બાબતે પતિ તથા સાસુ-સસરા બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. પતિનો ફોન કયારેક ઉપાડવામાં વાર લાગે તો તે માથાકૂટ કરતો હતો.પતિ કેનેડા રહેતો હોય પરંતુ તેને લઈ જવા માગતો ન હોય અને આ બાબતે અવારનવાર ઝઘડા કરતો હતો જેથી તે અવારનવાર માવતરના ઘરે જતી રહેતી હતી. પતિ તથા સાસુ-સસરા ત્રાસ આપતા હોય જે બાબતે લાગી આવતા પરિણીતાએ ફિનાઇલ પણ પી લીધું હતું અને તેની સારવાર કરવામાં આવી હતી.
પરિણીતાએ વધુમાં જણાવ્યું છે કે, સાસુ-સસરા કહેતા હતા કે તારા માવતર એ તને સંસ્કાર જ નથી આપ્યા તારી લાયકાત જ નથી કે મારા દીકરાની વહુ બને તેમ કહી ગાળો આપતા હતા. પતિ કેનેડા લઈ જવા રાજી ન હોય અને પત્નીની વિઝા માટેની અપીલ પણ પતિએ પરત ખેંચી લીધી હોય જેથી અંતે પરિણીતાએ કંટાળી ત્રાસની ફરિયાદ નોંધાવી છે.