પુષ્પા-2 ફેમ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી !! 14 દિવસ માટે જેલમાં મોકલાયો, મૃતકનો પતિ કેસ પરત લેવા તૈયાર
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ પુષ્પા 2ની રિલીઝને લઈને વિવાદોમાં ફસાઈ ગયો છે. તેમની ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. અલ્લુ અર્જુનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જેલમાં મોકલી દીધો છે.
હવે સવાલ એ છે કે આ નાસભાગમાં અલ્લુ અર્જુનની ભૂમિકા શું છે ? તેનું કારણ એવું કહેવાય છે કે અલ્લુ અર્જુન પૂર્વ આયોજન વગર સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. જોકે, આ માહિતી થિયેટર દ્વારા પોલીસને પહેલેથી જ મોકલી દેવામાં આવી હતી. આ અંગે થિયેટર દ્વારા લખવામાં આવેલ પત્ર સામે આવ્યો છે.
અલ્લુ અર્જુન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ રદ કરાવવાના ઈરાદે હાઈકોર્ટ પહોંચ્યો હતો. તેણે 11 ડિસેમ્બરે ચિક્કડપલ્લી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવા માટે અરજી કરી હતી પરંતુ તેને કોઈ રાહત મળી ન હતી. અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો.
મહિલાનો પતિ કેસ પાછો ખેંચી લેશે
અલ્લુ અર્જુનની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં મૃતક મહિલાના પતિએ અભિનેતાનો બચાવ કર્યો છે. ભાસ્કરે કહ્યું કે તે કેસ પાછો ખેંચવા તૈયાર છે.
સેશન્સ કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
નામપલ્લની સેશન્સ કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તેને ચંચલગુડા જેલમાં મોકલવામાં આવશે. સંધ્યા થિયેટર નાસભાગમાં મૃત્યુ પામનાર રેવતીના પતિ ભાસ્કરે કેસ પરત લેવાની વાત કરી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે અલ્લુ અર્જુનને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે.
તેલંગાણા હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
તેલંગાણા હાઈકોર્ટના જજ જુવ્વાદી શ્રીદેવીની કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે સવાલ પૂછ્યો કે, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
થિયેટરે ‘પુષ્પા 2’ના પ્રીમિયર શો માટે સિક્યોરિટીની માગ કરી હતી
થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે એક્ટરના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે ‘પુષ્પા 2’ના પ્રમોશન દરમિયાન પોલીસને અલ્લુ અર્જુનના આગમન અંગે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
ચિરંજીવી અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યા
જોકે, સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા, વરુણ ધવન સહિત ઘણા બોલિવૂડ કલાકારો મુશ્કેલીમાં ફસાયેલા અલ્લુ અર્જુનના સમર્થનમાં આગળ આવ્યા છે. મેગાસ્ટાર ચિરંજીવી અને તેની પત્ની સુરેખા અલ્લુ અર્જુનના ઘરે પહોંચી ગયા છે.
અભિનેતા વરુણ ધવને અલ્લુ અર્જુનની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુરક્ષા પ્રોટોકોલ એકલા અભિનેતાની જવાબદારી હોઈ શકે નહીં. તેમણે કહ્યું, “અમે અમારી આસપાસના લોકોને જાણ કરી શકીએ છીએ. આ ઘટના દુઃખદ હતી અને હું મારી સંવેદના વ્યક્ત કરું છું, પરંતુ આ માટે માત્ર એક વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાય નહીં.”
કહેવાય છે કે પુષ્પા 2નું સ્ક્રીનિંગ 4 ડિસેમ્બરે થયું હતું. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં આ કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે રેવતી નામની મહિલાનું મોત થયું હતું. આ સિવાય રેવતીના પુત્રને ઈજા થઈ હતી. અલ્લુ અર્જુન કોઈપણ સૂચના વગર ઈવેન્ટમાં પહોંચી ગયો હતો. તેને જોવા માટે લોકો એકઠા થઈ ગયા અને નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો.
અલ્લુ અર્જુને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
જો કે આ અકસ્માત બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ દુ:ખદ અકસ્માત પર શોક પણ વ્યક્ત કર્યો હતો.
અલ્લુ અર્જુનના કહેવા પ્રમાણે, ફિલ્મ રીલિઝ થવા પર થિયેટરમાં આવવું સ્વાભાવિક છે. તે પહેલા પણ ઘણી વખત થીયેટરમાં આવી ચુક્યો છે, પરંતુ આવી ઘટના ક્યારેય બની નથી. અલ્લુ અર્જુને X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “સંધ્યા થિયેટરમાં બનેલી દુખદ ઘટના પર ખેદ છે. આ મુશ્કેલ સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. આ મુશ્કેલ પ્રવાસમાંથી પસાર થવા માટે હું તેમને શક્ય તેટલી બધી મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું.
5 ડિસેમ્બરે મહિલાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સાથે થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે એક થિયેટર માલિક, તેના વરિષ્ઠ અને નીચેની બાલ્કનીના ઈન્ચાર્જની ધરપકડ કરી હતી.