રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે : સમરસ પેનલે પણ નોંધાવી ઉમેદવારી
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે.ત્યારે ગઈકાલે કાર્યદક્ષ અને એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયા બાદ આજે સમરસ પેનલના પ્રમુખના દાવેદાર પરેશ મારુ સહિત હોદ્દેદારો અને કારોબારીમાં ઉમેદવારી રજૂ કરી છે.જેથી હવે બાર એસોસિયેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. સમરસ પેનલમાંથી આજે પ્રમુખપદે પરેશભાઈ મારુ, ઉપપ્રમુખપદે સુમિત વોરા, સેક્રેટરીપદ માટે કેતન દવે, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા, ટેઝરરમાં પંકજ દોંગા અને લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ વગેરેએ ઉમેદવારી નોંધાવી હતી.
જ્યારે મહિલા અનામત કારોબારી સભ્યમાં પ્રગતિબેન માકડીયા, અન્ય નવ કારોબારી સભ્યોમાં પરેશ પાદરીયા, કિશન વાલવા, અશ્વિન રામાણી, રવિ વાઘેલા, સંજય ડાંગર, તુષાર દવે અને અતુલ જોષીનો સમાવેશ થાય છે.આ વર્ષે બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ અને પરેશ મારુની સમરસ પેનલ મળી કુલ 48 ફોર્મ ભરાયા છે.આ ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઉમેદવારોએ પણ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે.હાલ કુલ ત્રણ પેનલ વચ્ચે જ હરીફાઈ જંગ જામ્યો છે, ત્યારે પેનલોની વચ્ચેની હરીફાઈ નક્કી મનાય છે.તારીખ 20 મી મતદાન થયા બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.