મર્ડરના આરોપીએ વેપારી પાસેથી 26 લાખના 35 લાખ વ્યાજે ઉઘરાવી ધમકીઓ આપી
રવીરત્ન પાર્કમાં રહેતાં વેપારીને ધંધામાં નુકશાની આવતાં અમીત ભાણવડિયા પાસેથી વ્યાજે પૈસા લીધા’તા : વ્યાજ ચૂકવી દિધા છતા વેપારીને ઓફિસે બોલાવી 18 લાખનું વ્યાજ પડાવવા ધમકાવ્યા : યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
રવીરત્ન પાર્કમાં રહેતાં વેપારીએ કોરોનાકાળમાં ધંધામાં નુકશાની આવતાં અમીત ભાણવડિયા પાસેથી લીધેલા રૂ.26 લાખના 35 લાખ ચૂકવી દિધા છતાં વધું રૂ.18 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસે તેના વિરુદ્ધ મનીલેન્ડ સહીતની ગુનો નોંધી કાર્યવાહી કરી છે.જ્યારે આ અમીત વિરુદ્ધ હત્યાનો ગુનો પણ અગાઉ નોંધાય ચૂક્યો છે.
વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર રવીરત્ન પાર્ક સોસાયટીમાં રહેતાં હરેશભાઈ અમૃતલાલ મારડીયા (ઉ.વ. 48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમિત રમેશ ભાણવડિયા (રહે.મોટા મવા) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ પ્રોફેશનલ ઈન્સ્યોરન્સનો બિઝનેસ કરે છે. અમીત ભાણવડિયાને તેઓ છેલ્લા 15 વર્ષથી ઓળખે છે. વર્ષ 2020 માં કોરોનાકાળ દરમ્યાન ધંધામાં તેમને નાણાકીય નુકશાની ગયેલ જેથી અમીત ભાણવડીયા પાસેથી તેમની પંચાયત ચોક શીતલ ટ્રાવેલ્સની પાછળ શીવ કોમ્પલેક્ષમાં આવેલ ઓફીસેથી તા.30/10/2020 ના રૂ.5 લાખ ત્રણ ટકા વ્યાજે લીધેલ હતા.બાદ ફરી પૈસાની જરૂર પડતા તા.05/07/2021 ના રૂ.5 લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા. બાદ અલગ અલગ સમયે તેમની પાસેથી રૂ.26 લાખ મળી કુલ રૂ.26 લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લીધેલ હતા.સામે ફરિયાદીએ અમિતને વ્યાજ પેટે અલગ અલગ સમયે ફુલ રૂ.28 લાખ ચૂકવી દીધા હતા.
બાદ ગત તા.02/12/2024 ના સાંજના સમયે તેઓ કામથી ઘરની બહાર હતાં ત્યારે તેમના પત્ની વંદનાબેનનો ફોન આવેલ કે, અમીતભાઈના મીત્ર એન.ડી. નામ વાળી વ્યક્તિ આપણા ઘરે આવેલ છે, મને અમીત સાથે વાત કરાવેલ અને તમને ફોન કરવાનું કહેલ છે. જેથી અમિતને તેઓએ ફોન કરેલ જેથી તેને કહેલ કે, તમે મારી ઓફીસે મળવા માટે આવો જેથી તેઓ દંપતી તેમને મળવા ગયા હતા. ત્યારે અમીતે કહેલ કે, તમારે હજુ મને રૂ.18 લાખ આપવાના થાય છે, જેથી ફરિયાદીએ બધા પૈસા વ્યાજ સહીત ચુકવી આપેલ છે કહેતાં તે ઉશ્કેરાઈ જઈ દંપતીને ગાળો મારી નાખવાની ધમકી આપી હતી.જેથી તેઓએ પોલીસમાં ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અમિત ભાણવડીયા અને તેના સાગરીતો સામે અગાઉ હત્યાની કલમ હેઠળ ગુનો પણ યુનિવર્સિટી પોલીસમાં નોંધાય ચૂક્યો છે.