મહારાષ્ટ્રમાં હાર બાદ એમવીએમાં શું મામલો ગૂંચવાયો ? શું ઉઠી છે માંગ ? વાંચો
મહારાષ્ટ્રની ચૂંટણીમાં નામોશીભરી હાર બાદ મહા વિકાસ અઘાડીના ગઠબંધનમાં તિરાડો વધી રહી છે અસંતોષ શરૂ થયો છે અને અંદરોઅંદર લાગી છે. અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી બનેલા જી.પરમેશ્વરે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીના સહકારના અભાવે મહારાષ્ટ્રમાં હાર થઈ હોવાનું કારણ આપ્યું હતું.
હવે શિવસેના (યુબીટી)એ આક્ષેપો કરતાં કોંગ્રેસ પર હારનું ઠીકરૂં ફોડ્યું છે. ઉધ્ધવ પર અંદરખાને એવું દબાણ પણ થઈ રહ્યું છે કે હવે પછીની સ્થાનિક ચુંટણી ગઠબંધન સાથે નહીં પણ એકલા જ લડવી જોઈએ. આમ હવે અસંતોષ સપાટી પર આવી રહ્યો છે.
એકલા ચલો માટે દબાણ ?
એવી શંકાઓ પણ ઊભી થઈ રહી છે કે દબાણને પગલે ઉધ્ધવ ઠાકરે એમવીએથી છેડો ફાડી શકે છે . જો કે આ બારામાં હજુ સુધી પાર્ટી તરફથી આવો કોઈ સંકેત અપાયો નથી. આગામી દિવસોમાં કઈક નવાજૂની થવાની સંભાવના છે.
યુબીટી નેતા અંબાદાસ દાનવેએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસના વધુ પડતાં આત્મવિશ્વાસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીને નુકસાન પહોંચાડ્યું છે. અમારી હાર માટે કોંગ્રેસ જ જવાબદાર છે.
મહેનત કરી નથી માટે હાર્યા
વધુમાં દાનવેએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ભાજપના એનડીએ ગઠબંધનને આકરી ટક્કર આપતાં જોશમાં હતી. તેને પોતાના પર વધુ પડતો આત્મવિશ્વાસ હતો. હરિયાણા, જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્રમાં આ ઓવર કોન્ફિડન્સ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન આકરી મહેનત કરી હતી અને ઈન્ડિયા ગઠબંધને પરિણામો પણ આપ્યા હતા. પરંતુ ઓવર કોન્ફિડન્સમાં તેણે રાજ્યની ચૂંટણી માટે કોઈ ખાસ મહેનત કરી ન હતી.
દાનવેના મતે, મહા વિકાસ અઘાડી અંતિમ દિવસ સુધી બેઠકની ફાળવણી મુદ્દે મૂંઝવણમાં અને ચર્ચામાં રહ્યાં. પરંતુ તે દિવસોમાં ચૂંટણી પ્રચાર મારફત જનતાનો સંપર્ક સાંધવાનો હતો. અમુક બેઠકો પર શિવસેના (યુબીટી)ની પકડ મજબૂત હતી, તેમ છતાં કોંગ્રેસે તે બેઠકો ફાળવી નહીં.