રાજકોટ જિલ્લામાં ઈ-શ્રમિક કાર્ડના ઈ-કેવાયસીમા પણ ધાંધિયા
જિલ્લામાં નોંધાયેલ 5,72,356 પૈકી 49,825 એનએફએસએ લાભાર્થીઓનું જ ઈ-કેવાયસી થયું : રાજ્યમાં 47,64,911 ઈ-શ્રમિકોનું ઈ-કેવાયસી બાકી
રાજકોટ : રાજકોટ શહેર-જિલ્લામાં રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે ત્યારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આપવામાં આવેલ રેશનકાર્ડ ધારકોને ઈ-શ્રમિકકાર્ડ પણ ફરજીયાત કરવામાં આવ્યા હતા જે ઈ-શ્રમિક કાર્ડનું પણ હાલમાં ઈ-કેવાયસી કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 49,825 લાભાર્થીઓનું જ ઈ-કેવાયસી થયું છે, સમગ્ર રાજ્યમાં 47,64,911 ઈ-શ્રમિકોનું ઈ-કેવાયસી બાકી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ મફત અનાજનો લાભ લેવા માટે રેશનકાર્ડ ધારકો માટે ઈ-શ્રમિક કાર્ડ ફરજીયાત બનાવી તમામ સસ્તા અનાજની દુકાનેથી રેશનકાર્ડ ધારકોના ઈ-શ્રમિક કાર્ડ કાઢવામાં આવ્યા હતા. જો કે, હાલમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે તમામ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી ચાલુ કર્યું છે સાથે જ સંબંધિત વિભાગે ઈ-શ્રમિક કાર્ડનું પણ ઈ કેવાયસી શરૂ કર્યું છે પરંતુ રાજકોટ જિલ્લામાં નોંધાયેલા 5,72,356 પૈકી 49,825 એનએફએસએ લાભાર્થીઓનું જ ઈ-કેવાયસી થયું છે. જયારે બાકીના 3,39,202 લાભાર્થીઓનું ઈ-કેવાયસી થઇ શક્યું ન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં 47,64,911 જેટલા ઈ-શ્રમિક કાર્ડનું ઈ-કેવાયસી બાકી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.