આજે પણ ભારતમાં પાંચમાંથી એક કન્યાના બાળ લગ્ન થાય છે
ગત વર્ષે 2 લાખ બાળ વિવાહ અટકાવાયા
ભારતમાં આજે પણ દર પાંચમાંથી એક કન્યાના લગ્ન, લગ્ન કરવા માટેની કાયદેસરની 18 વર્ષ કરતાં ઓછી ઉમરે થાય છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે બાળ લગ્ન એ સમાજનું મોટામાં મોટું દુષણ છે. તે માનવ અધિકારનો ભંગ છે અને કાયદાની દ્રષ્ટિએ ગુનો પણ બને છે. કેન્દ્ર સરકારના ‘ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ ના લોન્ચિંગ પ્રસંગે બોલતા તેમણે ગત વર્ષે બે લાખ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હોવાની વિગત આપી હતી.
કેન્દ્ર સરકારે શરૂ કરેલ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનમાં મુખ્યત્વે આ દૂષણ જ્યાં સૌથી વધારે વ્યાપ્ત છે એ સાત રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, આસામ અને આંધ્ર પ્રદેશ ઉપરાંત દેશના અન્ય 300 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અન્નપૂર્ણાદેવીએ કહ્યું કે માત્ર કાયદાથી જ બાળ લગ્ન અટકી શકશે નહીં. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. તેમણે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને બાળ લગ્નની સંખ્યા ઓછી કરવા માટે એક્શન પ્લાન બનાવવા અનુરોધ કર્યો હતો.