ભારે કરી: ‘રોટરી લલિતાલયે’ દર્દીનું બ્લડ ગ્રુપ જ બદલી નાખ્યું !!
તા.૫-૪-૨૦૨૪ના રિપોર્ટ કરાવ્યો ત્યારે બ્લડગ્રુપ
એ-પોઝિટીવ’ હતું, ૨૬-૧૧-૨૦૨૪ના કરાવ્યો તો બ્લડગ્રુપ ઓ-પોઝિટીવ' થઈ ગયું !
રિપોર્ટ કરાવવા માટે ડૉક્ટર એક, રિપોર્ટ કરનાર તબીબ બદલાયા એટલે બ્લડ ગ્રુપ બદલાઈ ગયું
દર્દીએ હોબાળો કરતા લેબોરેટરીએ કહ્યું, અમે તો રિપોર્ટ કરી આપ્યો છે, જે ગ્રુપ આવ્યું એ જ સાચું માનો !

રાજકોટના રોટરી મીડટાઉન ક્લબ સંચાલિત રોટરી લલિતાલય નામનું ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર ગીત ગુર્જરી સોસાયટી-૬, એરપોર્ટ રોડ પાસે સંચાલિત કરવામાં આવી રહ્યું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે જઈ રહ્યા છે બરાબર ત્યારે જ આ લેબોરેટરી દ્વારા એક મહાભગો કરવામાં આવતાં તેની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
રોટરી લલિતાલય લેબોરેટરી દ્વારા દર્દીનું આખું બ્લડગ્રુપ જ બદલાવી નાખવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વિશેષમાં જાણવા મળેલી વિગતો મુજબ મેઘનાબેન એન. શાહ નામના ૪૦ વર્ષીય દર્દીને થાઈરોઈડ સંબંધિત બીમારી થતાં તેમણે તા.૫-૪-૨૦૨૪ના રોટરી લલિતાલયમાં બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમને આ ટેસ્ટ કરવા માટેનું સુચન ડૉ.નિલેશ દેત્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું જેના આધારે આ ટેસ્ટ કરાયા બાદ મેઘનાબેનનું બ્લડ ગ્રુપ
એ-પોઝિટીવ’ આવ્યું હતું. ત્યારે તેમના આ રિપોર્ટને માન્યતા આપતાર તરીકે ડૉ.જય આર.ત્રિવેદી નામના એમ.ડી.પેથોલોજી હતા.
આ પછી મેઘનાબેન શાહે ગત તા.૨૬-૧૧ના પોતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. આ બ્લડ ટેસ્ટ પણ તેમને ડૉ.નિલેશ દેત્રોજા દ્વારા જ સુચવવામાં આવ્યો હતો. જો કે આશ્ચર્યજનક રીતે બીજા રિપોર્ટમાં મેઘનાબેન શાહનું બ્લડ ગ્રુપ ઓ-પોઝિટીવ' આવતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ તેમણે લેબોરેટરીના સંચાલકને આ વિશે જાણ કરતાં લેબ દ્વારા એવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો કે અમે તો રિપોર્ટ કરી આપ્યો છે, જે ગ્રુપ આવ્યું છે એ જ તમારે સાચું માનવાનું રહેશે ! એક વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે દર્દીનું બ્લડગ્રુપ સાત મહિનાની અંદર બદલાઈ જાય પરંતુ રોટરી લલિતાલય દ્વારા ક્યારેય ન બની શકે તે
કાર્ય’ને કરી આપવામાં આવતાં ત્યાં થનારા ટેસ્ટ કેટલા સાચા માનવા તે પ્રશ્ન ઉઠ્યા વગર રહેતો નથી.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે મેઘનાબેન શાહે તા.૨૬-૧૧-૨૦૨૪ના રોજ કરાવેલા રિપોર્ટમાં `ઓ-પોઝિટીવ’ બ્લડ ગ્રુપ આવ્યું હતું જે તેમનું સાચું બ્લડ ગ્રુપ હોવાનું જાણવા મળ્યું છે. હવે અગાઉના રિપોર્ટમાં એ-પોઝિટીવ બ્લડ ગ્રુપ કેવી રીતે આવી ગયું તે તો ટેસ્ટ કરનાર લલિતાલય લેબોરેટરી જ જાણતી હશે.
જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે પડી શકે મુશ્કેલી
આ અંગે એક નિષ્ણાત તબીબનો અભિપ્રાય લેવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પહેલી વાત તો એ કે ક્યારેય કોઈ દર્દીનું બ્લડ ગ્રુપ બદલાતું નથી. જન્મથી લઈ મરણ સુધી તેનું બ્લડ ગ્રુપ એક જ રહે છે પરંતુ આ રીતે ગ્રુપ બદલી જવાને કારણે દર્દી જરૂર મુશ્કેલીમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ દર્દીનું બ્લડ ગ્રુપ એ-પોઝિટીવ હોય અને તેને ઈમરજન્સીમાં ક્યારેક લોહીની જરૂર પડે ત્યારે મુશ્કેલી ઉભી થઈ શકે છે કેમ કે દર્દી લેબના રિપોર્ટના આધારે જ પોતાનું બ્લડ ગ્રુપ નક્કી કરતું હોય છે. રોટરી લલિતાલય દ્વારા પ્રથમ રિપોર્ટમાં એ-પોઝિટીવ' અને બીજા રિપોર્ટમાં
ઓ-પોઝિટીવ’ બ્લડ રિપોર્ટ આપવામાં આવતાં આખરે એ દર્દીનું બ્લડ ગ્રુપ કયું હશે તે કેવી રીતે સાચું માનવું સાથે સાથે દર્દીને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે તેણે એ-પોઝિટીવ બ્લડ શોધવું કે ઓ-પોઝિટીવ બ્લડ શોધવું તેની મડાગાંઠ સર્જાયા વગર રહેતી નથી !