ચાંદીના દાગીના વેપારીની પેઢીનું ફેક એકાઉન્ટ બનાવી ગઠિયાએ કરી 7.64 લાખની ઠગાઇ
રાજકોટના શખસે મુંબઈના વેપારી પાસે દાગીનાનો ઓર્ડર લઇ એડવાન્સ પેમેન્ટના નામે પૈસા પડાવ્યા : વેપારીની પેઢીની બદનામી કરતાં સાયબર પોલીસમાં ગુનો નોંધાયો
રાજકોટમાં રણછોડનગર પર આવેલી પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટ્સ નામની દાગીનાની પેઢી ચાવતા વેપારીની પેઢીનું એક શખ્સ દ્વારા ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી મુંબઈના વેપારીનો સંપર્ક કરી તેમની પાસે દાગીનાનો ઓર્ડર લઇ એડવાન્સમાં રૂ.7.64 લાખની છેતરપિંડી કરતા સાયબર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
માહિતી મુજબ શહેરમાં એરપોર્ટ રોડ પર સંકલ્પ સિદ્ધિ પાર્કમાં રહેતા અને રણછોડનગર શેરી નંબર-11માં પ્રેમ સિલ્વર ઓર્નામેન્ટ્સ દાગીનાની પેઢી ચાવતા ચંદ્રકાંતભાઈ ડુગંરશીભાઇ સચાણીયાએ સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સતંકબીર રોડ પર રહેતા જલ્પેશ જેરામભાઇ નારીયાણીનું નામ આપતા જણાવ્યું હતું કે,આરોપીએ તેઓની પેઢીનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.અને મુંબઈમાં શાંતિ ગોલ્ડ નામે વેપાર કરતા વેપારીનો સંપર્ક કરીને તેમને દાગીના બનાવી આપવાનું કહી તેમની પેઢીના નામના નકલી બિલ બનાવી વેપારી પાસેથી એડવાન્સમાં 7.64 લાખ રૂપિયા લીધા હતા.બાદમાં દાગીના પણ આપવામાં આવ્યા ન હતા.જેથી આરોપીએ વેપારીની પેઢીનું નકલી એકાઉન્ટ બનાવી મુંબઈના વેપારી સાથે ઠગાઈ કરી તેમની પેઢીને બદનામ કરતા સાયબર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.જયારે આ છેતરપિંડીમાં અન્ય બે લોકોની પણ સંડોવણી હોવાનું માલુમ પડતા પોલીસે જલ્પેશની વધુ પૂછતાછ કરી છે.
