ઝાંસીની મેડિકલ કોલેજમાં અગ્નિકાંડ : ચિલ્ડ્રન વોર્ડમાં વિસ્ફોટ બાદ આગ લાગતાં 10 નવજાત બાળકો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશના ઝાંસીથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે આગ લાગવાથી ભારે તબાહી મચી ગઈ હતી. મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં અચાનક લાગેલી આગમાં 10 નવજાત બાળકોના મોત થયા હતા. યુપી સરકાર આ ઘટનાને લઈને સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. રાજ્યના ડેપ્યુટી સીએમ કમ હેલ્થ મિનિસ્ટર બ્રજેશ પાઠક ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ પહોંચ્યા છે. તેઓ નવજાત બાળકોના પરિવારજનોને મળ્યા હતા. ડેપ્યુટી સીએમએ નવજાત બાળકોના મોતને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો. આ પછી આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ આવી પહોંચી હતી અને 2 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
અહીં સરકારી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત બાદ સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.
સવારે 5 વાગે ઝાંસી પહોંચેલા ડેપ્યુટી સીએમ અને સ્વાસ્થ્ય મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે અકસ્માતની ત્રણ તપાસ કરવામાં આવશે. પ્રથમ- આરોગ્ય વિભાગ કરશે. બીજું- પોલીસ કરશે. ત્રીજું- મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જો કોઈ ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું- હું દુ:ખી છું
हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…
— PMO India (@PMOIndia) November 16, 2024
હૃદયદ્રાવક! ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના કાળજુકંપાવી દેતી છે. જેઓએ પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે
યોગી સરકારે સહાયની કરી જાહેરાત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસી મેડિકલ કોલેજના NICUમાં થયેલા અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. યોગી સરકારે ઝાંસી મેડિકલ કોલેજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નવજાત શિશુના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સહાયની રકમ વહેલી તકે મળવી જોઈએ.
ડેપ્યુટી સીએમએ દુર્ઘટનાની 3 તપાસના આદેશ આપ્યા
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું- નવજાત બાળકોનું મોત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પરિવારના સભ્યો સાથે મળીને અમે નવજાત બાળકોના મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રથમ તપાસ વહીવટી સ્તરે થશે, જે આરોગ્ય વિભાગ કરશે, બીજી તપાસ પોલીસ પ્રશાસન કરશે.
ફાયર વિભાગની ટીમો પણ આમાં સામેલ થશે, ત્રીજું, મેજિસ્ટ્રેટ તપાસ માટે પણ સૂચના આપવામાં આવી છે. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે. જો કોઈ ક્ષતિ જણાશે તો જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. સરકાર બાળકોના પરિવારની સાથે છે.