રાજકોટ જિલ્લાના 14 જળાશય વગર વરસાદે થઈ રહ્યા છે ઓવરફ્લો
ચાલુ વર્ષે મેઘ મહેરથી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક યથાવત
રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. કેટલીક જગ્યાએ માત્ર સામાન્યઝાપટાપડે છે. આ વચ્ચે જિલ્લાના જળાશયો હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ 14 જળાશય ઓવરફ્લો થઈ રહ્યા છે.
ચાલુ વર્ષે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જ ડેમોમાં પાણીની ધીંગી આવક થઈ હતી. બીજા રાઉન્ડમાં મોટાભાગના ડેમ ભરાઈ ગયા હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો પરંતુ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલુ રહી છે. ફ્લડ કંટ્રોલમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના ડેમ સાઇટ ઉપર વરસાદ થયો નથી પરંતુ જિલ્લાના 14 જળાશયોમાં પાણીની આવક થઈ છે. જેના કારણે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. ઉપરવાસમાં બનાવવામાં આવેલા નાના-નાના ચેકડેમ ઉપરાંત નદી-નાળા અને જમીનમાંથી વહી રહેલા પાણી જિલ્લાના જળાશયો સુધી પહોંચતા હોય જળાશયોમાં નવા નીર સતત આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સિંચાઇ વર્તુળ હસ્તકના ડેમોમાંથી ભાદર, મોજ, ફોફળ, વેણુ-2, આજી-1,2,3, સોદવદર, સુરવો, છાપરવાડી-1,2, ઈશ્વરીયા, કરમાળ અને ભાદર-2માં પાણીની આવક થતાં હાલના તબક્કે જિલ્લાના આ જળાશયો વરસાદ વગર પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.
જિલ્લાના 14 જળાશયો 100 ટકા ભરાઈ ગયા રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયો ભરાઈ ગયા છે અને પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 14 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં મોજ, ફોફળ, આજી-1, સોદવદર, ગોંડલી, વાછપરી, વેરી, મોતિસર, ફાડદંગબેટી, લાલપરી, છાપરવડી, 1-2, ઈશ્વરીયા અને કરમાળ જળાશય હાલના તબક્કે 100 ટકા ભરાઈ ગયા છે.