ગિરનારની પરિક્રમાનો વિધિવત પ્રારંભ : 2 દિવસમાં 9 શ્રદ્ધાળુઓના હૃદય બેસી ગયા, 43 લોકો થયા ગુમ
દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 36 KMની ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડે છે. ત્યારે આજે રાત્રે 12 વાગ્યાથી સાધુ-સંતો અગ્રણીઓ અને પરિક્રમાથીઓની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. ગિરનારની પરિક્રમા કરવા બે દિવસ પહેલાથી જ માનવમહેરમણ ઊમટ્યું છે. પરિક્રમા શરૂ થયા પહેલા જ લોકો આવી ચૂક્યા હતા જેના લીધે તંત્ર દ્વારા વહેલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે બે દિવસમાં 9 ભાવિકોના હ્રદય બેસી ગયા અને 3 ભાવિકોને ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા.
અત્યાર સુધી 9 લોકોના હાર્ટ એટેકથી થયા મોત
હાલ ગરવા ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે દિવ્ય માહોલ છવાયો છે. મધરાત્રે ધાર્મિક પૂજાવિધિ સાથે પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે . લીલી પરિક્રમામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. જ્યારે બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે.
બે દિવસમાં હાર્ટએટેકથી મોતની યાદી
૧. મુળજી રૂડા લોખીલ ઉ.૬૬ (ભારતીનગર, રાજકોટ) .
૨. પરશોતમ જગદીશ ભોજાણી ઉ.૫૦ (નવાગામ, જસદણ)
૩. હમીર સોડા લમકા ઉ.૬૫ (અમરસર)
૪. રસિક ભોવાન ભરડવા ઉ.૬૦ (દેવળા)
૫. મનસુખ મોહન ઉ.૭૦ (રાજકોટ)
૬. આલા ગોવિદ ચાવડા ઉ.૫૦ (ગાંધીધામ)
૭. અરવિંદ ડાયા સિંધવ ઉ.૫૪ (સોરઠીયાવાડી, રાજકોટ)
૮ . અરૂણ હિમંતલાલ ટેઈલર ઉ.૫૫ (મુંબઈ)
૯. પટેલ નટવરલાલ દેવચંદ ઉ.૭૦ (અમદાવાદ)
બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા
મળતી માહિતી અનુસાર રાજકોટના જસદણ, અમરસર, દેવળાના એક-એક ભાવિકોના મોત થયા છે. ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદના એક-એક પરિક્રમાર્થીનું મોત થયુ છે. રાજકોટના ત્રણ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકને લીધે મોત થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો 50 થી 70 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે.
જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઠેક-ઠેકાણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે પહોંચતા હોય છે. શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં જોઈને ત્યાં સ્વયમ સેવકો દ્વારા કેટલીક વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે. જેમાં રહેવા-જમવા સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હોય છે.
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.શહેરના 427 કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે