કુખ્યાત ગેંગસ્ટાર લોરેન્સ બિશ્નોઇએ 2023 માં જેલમાંથી આપેલા ઇન્ટરવ્યૂ અંગેના કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એસઆઇટીએ કરેલી તપાસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
કોઈ ગુનેગાર જેલમાંથી ઇન્ટરવ્યૂ કઈ રીતે આપી શકે તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે ગેંગસ્ટાર અને પોલીસ વચ્ચે ની સાંઠ ગાંઠ વગર આ કદી શક્ય ન બને. પોલીસ તંત્રએ એ ઇન્ટરવ્યૂ માટે જેલમાં સ્ટુડિયો જેવી વ્યવસ્થા કરી આપી હોવાનું જણાવી આ કૃત્ય દ્વારા પોલીસ તંત્રએ ગુનાહીત પ્રવૃત્તિ નું મહિમામંડન કર્યું હોવાની અદાલતે ટીકા કરી હતી.
હાઈકોર્ટે પંજાબની ભગવંત માન સરકારને પણ આડા હાથે લીધી હતી અને આ કેસમાં માત્ર નાની કક્ષાના અધિકારીઓને જ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવો સવાલ કર્યો હતો. અદાલતે સીઆઈએ ના તત્કાલીન ઇન્ચાર્જ શિવકુમારને ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ભારે ચકચાર જગાવનાર આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ( હ્યુમન રાઈટ્સ) ના વડપણ હેઠળ નિમાયેલી એસઆઇટીએ મોહાલીના ખરાર અને રાજસ્થાનની એક જેલમાંથી લોરેન્સ બિશ્નોઇએ ઇન્ટરવ્યૂ આપ્યા હોવાનો અહેવાલ આપ્યો હતો. બાદમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે એસઆઇટીની એ તપાસમાં ઘણા છીંડા રહી ગયા હોવાનું જણાવી અદાલતે નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં મુંબઈમાં બાબા સીદીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની ખુલ્યા બાદ તેણે એક પ્રાઇવેટ ચેનલને જેલમાંથી આપેલા એ ઇન્ટરવ્યૂ નો મુદ્દો ફરી સપાટી પર આવી ગયો છે.