મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી સાત હાથીના મૃતદેહ મળી આવતા હડકંપ : તપાસ શરૂ
મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી સાત હાથીના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાબેતા મુજબના પેટ્રોલિંગ દરમિયાન બે હાથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં વધુ પાંચ હાથીના મૃતદે મળી આવ્યા હતા.
અન્ય પાંચ હાથી બીમાર જણાતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. તમામ મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટ પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે તેમ અધિકારીઓ જણાવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં હાથીઓના મૃત્યુ માટે ખેતરોમાં ઉપયોગમાં લેવાતી જંતુદાશક દવા કારણભૂત હોઈ શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ટાઈગર રિઝર્વમાં ગેરકાયદે શિકાર તથા જંગલ ખાતાની બેદરકારી અંગે આક્ષેપો થતા રહ્યા છે. 2021 થી 2023 વચ્ચે આ જંગલમાં 43 વાઘના મૃત્યુ થયા હતા. તેમાંથી કેટલાક વાઘ શિકારનો ભોગ બન્યા હોવાના જે તે સમયે આક્ષેપ થયા હતા. હવે એક સાથે સાત હાથીના મૃત્યુને કારણે ફરી એક વખત જંગલ ખાતા ની ભૂમિકા સામે આંગળી ચિંધાઇ રહી છે.
તપાસ માટે SITની રચના
વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) નવી દિલ્હીએ ઘટનાની તપાસ માટે એક વિશેષ સમિતિ (SIT) ની રચના કરી છે. આ ઉપરાંત રાજ્ય સ્તરે પણ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. એસટીએસએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ના વડા અને તેમની ટીમ ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર સઘન શોધ અને તપાસમાં વ્યસ્ત છે.